ભારે બફારા પછી રાજ્યમાં વરસાદઃ અમદાવાદમાં અંધારપટ છવાયો

અમદાવાદઃ શહેરમાં બે-ત્રણ દિવસના બફારા બાદ અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં પણ કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના મકરબા, સરખેજ, એસજી હાઇવે, સેટેલાઇટ, જોધપુર, વેજલપુર, બોડકદેવ, બોપલ, મણિનગર, ઈસનપુર, બાપુનગર, વસ્ત્રાલ, નરોડા, રાણીપ, સાબરમતી, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેને કારણે ઠેકઠેકાણે ટ્રાફિક જેમનાં દ્રશ્યો સર્જાયાં હતાં. આગામી કેટલાક દિવસ સુધી રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદના બોડકદેવમાં અઢી ઇંચ, સાયન્સ સિટીમાં ત્રણ ઇંચ વરસાદ અને બોપલમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં ઠેકઠેકાણે પાણી ભરાતાં ટ્રાફિક જેમનાં દ્રશ્યો સર્જાયાં હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો. આજે સવારથી બપોર સુધી શહેરમાં વાતાવરણમાં ઉકળાટ પછી ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો અને વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

છેલ્લા ઘણા દિવસોથી લોકો ઉકળાટથી હેરાન-પરેશાન થઈ ગયા છે અને ડબલ સીઝનને કારણે રોગચાળો પણ વકરી રહ્યો છે. શહેરીજનોએ વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોએ રાહત અનુભવી હતી..
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સિવાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અનેક જિલ્લાઓને મેઘરાજા ફરી વાર ધમરોળશે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]