અમદાવાદઃ રાજ્યમાં છ મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો તેમ જ 231 તાલુકા પંચાયતોની ચૂંટણી થવાની છે ત્યારે મુખ્ય પક્ષોના કાર્યકર્તાઓમાં ટિકિટ મેળવવા માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા 8000 જેટલાં EVM મૂકવામાં આવશે. આ ચૂંટણીમાં નાના-મોટા મળીને કુલ 20 પક્ષો ભાગ લે એવી સંભાવના છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત સાથે ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષોએ ઉમેદવારોની પસંદગીપ્રક્રિયા શરૂ કરી છે. ભાજપે મહાનગરો અને પાલિકામાં જ્યાં સત્તાવિરોધી લહેરની અસર હશે, જ્યારે કોંગ્રેસે આ વખતે સ્થાનિક ચૂંટણીમાં યુવાનો અને મહિલાઓને પ્રાધાન્ય આપવાની વ્યૂહરચના બનાવી છે.
ભાજપમાં પ્રથમ દિવસે જ નરોડામાં સેન્સની કામગીરી દરમિયાન દંગલ મચી ગયું હતું. નરોડાના સિટિંગ કોર્પોરેટર ગિરિશ પ્રજાપતિએ પોતાની પત્ની શિલ્પા માટે ટિકિટ માગતાં યુવા મોર્ચાના નેતા લવ ભરવાડે તેમની સાથે બોલાચાલી કરી રીતસર માર માર્યો હતો. જેમાં ગિરીશ પ્રજાપતિને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. સમગ્ર મામલો હાઇ કમાન્ડ સુધી પહોંચ્યો હતો.
સ્થાનિક ચૂંટણીમાં મતદાન પહેલાં જ કોંગ્રેસની હાલત કફોડી બનતી જઈ રહી છે. કોંગ્રેસના નેતાઓ એક પછી એક પંજાનો સાથ છોડીને કેસરિયો ધારણ કરી રહ્યા છે. ભરૂચ-કોંગ્રેસમાં આ પહેલાં મોટું ભંગાણ થયું હતું. જેમાં ઝાડેશ્વરના કોંગ્રેસ આગેવાન કૌશિક પટેલ પોતાના 300 જેટલા સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં સામેલ થયા હતા. જ્યારે અંકલેશ્વરમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પંજાનો સાથ છોડ્યો હતો.
ભરૂચ, અંકલેશ્વર અને અરવલ્લીમાં કોંગ્રેસમાં ભંગાણ બાદ હવે વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીના (Paresh Dhanani) ગઢ અમરેલીમાં પણ ગાબડું પડ્યું છે. જેમાં અમરેલી જિલ્લાની ધારી તાલુકા પંચાયતના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સહિતના ચાર ભૂતપૂર્વ સભ્યોએ કોંગ્રેસને રામ-રામ કહીને કેસરિયો ધારણ કર્યો છે.