સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવશે. 21 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 28 ફેબ્રુઆરીએ થશે. છ મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ અને 81 નગરપાલિકાની ચૂંટણી, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાવાની છે, એમ ચૂંટણી પંચે કહ્યું હતું.

ચૂંટણીનું મતદાન સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. આ મતદાનની મતગણતરી મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરી અને નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની મતગણતરી બીજી માર્ચ રાખવામાં આવી છે.

હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર થવાની સાથે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લા કલેકટરો સાથે વિડિયો-કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. એ સાથે-સાથે સરકારના અલગ-અલગ વિભાગો સાથે પણ ચૂંટણી પંચે બેઠકો કરી હતી, જેમાં કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણી યોજવાની થતી હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ પોલીસને ફેસશીલ્ડથી માંડીને સેનિટાઇઝર આપવામાં આવશે. મતદાન મથકોમાં મતદારો માટે સેનિટાઇઝરની વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેને પગલે સેનિટાઇઝર અને માસ્કની જરૂરિયાત જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગ સાથે પણ ચૂંટણીપંચ દ્વારા બેઠક કરીને ચૂંટણી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]