હિન્દુસ્તાનની દરેક વ્યક્તિ નેતાજીની ઋણીઃ PM મોદી

કોલકાતાઃ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી વર્ષના પ્રસંગે આયોજિત કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતામાં છે. વડા પ્રધાન મોદીએ કોલકાતા યાત્રા અને પરાક્રમ દિવસના કાર્યક્રમોનો પ્રારંભે નેતાજી ભવનમાં નેતાજી બોઝને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. તેમણે મેમોરિયલ હોલમાં પરાક્રમ દિવસ સમારોહના ઉદઘાટન સમારોહની અધ્યક્ષતા કરી હતી.

તેમણે કહ્યું હતું કે મા ભારતીની ગોદમાં વીર સપૂતે જન્મ લીધો હતો, જેમણે આઝાદ ભારતના સપનાને નવી દિશા આપી હતી. વિશ્વની સૌથી મોટી સત્તાની સામે ઊભા રહીને કહ્યું હતું કે હું તમારી પાસે સ્વતંત્રતા માગીશ નહીં, પણ છીનવી લઈશ. તેમના તપ, ત્યાગ અને તિતિક્ષાની બંગાળની પુણ્યભૂમિને નમન કરું છું. તેમણે ભારતની સ્વતંત્ર સરકાર માટે પાયો નાખ્યો હતો. નેતાજીએ તેમનું વચન પૂરું કર્યું હતું. તેમણે આંદામાનમાં સૈનિકોની સાથે ત્રિરંગો ફરકાવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

આ વર્ષે દેશ સ્વતંત્રતાના 75મા વર્ષમાં પ્રવેશ કરવાનો છે. દેશ આત્મનિર્ભર ભારતના સંકલ્પની સાથે આગળ વધી રહ્યો છે. હવે દર વર્ષે નેતાજીની જયંતી એટલે કે 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવશે. હિન્દુસ્તાનની એક-એક વ્યક્તિ નેતાજીનો ઋણી રહેશે. નેતાજી જે સ્વરૂપે આપણને જોઈ રહ્યા છે, જે ભારતની તેમણે કલ્પના કરી હતી હતી, એલએસીથી એલઓસી સુધી ભારતનો અવતાર વિશ્વ જોઈ રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

જોકે વડા પ્રધાનના સંબોધનથી પહેલાં મમતા બેનરજીનું ભાષણ હતું, પણ તેઓ મંચ પર જતાં સૂત્રોચ્ચાર થતાં તેમણે ભાષણ આપવાનો ઇનકાર કર્યો હતો.