અમદાવાદ- ભગવાન જગન્નાથજી મંદિરથી દર વર્ષની જેમ આ વર્ષે 141મી રથયાત્રા અષાઢી બીજને 14 જુલાઈને શનિવારે નિકળશે. જે અગાઉ આજે ગુરુવારે ભગવાન જગન્નાથજીની દબદબાભેર જળયાત્રા નિકળી હતી. બેન્ડવાજા, હાથીઘોડા તેમજ ભજનમંડળી સાથે 108 કળશની જળયાત્રા નિકળી હતી. જે જળયાત્રા સાબરમતી નદીના કિનારે જઈને જળ ભરી લાવશે અને તે જળથી ભગવાન જગન્નાથજીને સ્નાન કરાવાશે.રથયાત્રા અગાઉની જળયાત્રામાં ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને જળયાત્રાની પૂજા કરીને તેનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ સોમનાથ ભૂદરના આરે જઈને ગંગાપૂજન કર્યું હતું. જળયાત્રામાં સાબરમતી નદીની પૂજા કરાઈ હતી, આ જળયાત્રામાં ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.જળયાત્રામાં સાબરમતી નદીનું જળ 108 કળશમાં લેવામાં આવ્યું હતું. જે જળ મંદિરમાં લાવીને તે જળથી ભગવાન જગન્નાથજીને જળાભિષેક કરાયો હતો. બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને વિધિવત સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભાઈ-બહેન અને જગન્નાથજીને ગજવેશ ધારણ કરવામાં આવશે. ગજવેશના શૃંગારના દર્શન કરવા માટે ભાવિક ભક્તો ખુબ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.આજે વહેલી સવારે નીકળેલી જળયાત્રામાં ભગવાન જગન્નાથજી મંદિરમાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો અને સાધુસંતો ઉમટી પડ્યા હતા. જળયાત્રા દરમિયાન અને સાબરમતી નદીના કિનારે જય જગન્નાથજીની…ના જયધોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. જળથી સ્નાન કરાવ્યા પછી ભગવાનને ગજવેશ ધારણ કરાવાશે. અને ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજી આજે મોસાળ- મામાને ઘેર જશે.ભગવાન જગન્નાથજી અષાઢી બીજના આગલા દિવસે નિજ મંદિરમાં પરત ફરશે. ભગવાન મામાને ઘરે જવાના હોવાથી ભક્તો આજે ગજવેશ શૃંગાર દર્શન કરવા માટે ખુબ મોટી સંખ્યામાં જગન્નાથજી મંદિરમાં ઉમટશે.અહેવાલ- હાર્દિક વ્યાસ અને તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ