ચોમાસા આગમન સાથે જ રંગબેરંગી છત્રીઓ અને તાડપત્રીનું વેચાણ શરૂ

અમદાવાદઃ રાજ્યભરમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. વર્ષાઋતુનું આગમન થતાંની સાથે ક્યાંક હર્ષોલ્લાસ તો ક્યાંક ચિંતા શરુ થઈ જાય છે. ચિંતાનું કારણ એ છે કે જે લોકો છત વિહોણી ખુલ્લી જગ્યાઓ પર નિવાસ કરે છે અથવા તો છાપરા કે કાચા મકાનોમાં રહીને જીવન જીવી રહ્યાં છે તેમના માટે ચોમાસાના આગમનની સાથે જ છત બનાવવાનો એક પડકાર હોય છે અને એટલા માટે જ તે લોકો માટે વરસાદ ચિંતાનું કારણ બને છે.

પતરાં કે  જૂનાં ખખડી ગયેલા મકાનમાં રહેતા લોકો પોતાના ઘરમાં પાણી ન ઉતરે એ માટે તાડપત્રી ખરીદી રહ્યાં છે. દરેક વિસ્તારની ફૂટપાથ પર રંગબેરંગી તાડપત્રીઓ જોવા મળી રહી છે. શહેરના દરેક વિસ્તારોની ફૂટપાથો પર તાડપત્રી વેચાણ માટે આવી ગઈ છે.

તો આ સાથે જ અમદાવાદના રસ્તાઓ પર ચાઇનીઝ અને દેશી છત્રીઓનું પણ વેચાણ શરુ થઇ ગયું છે. નાના બાળકોની કાર્ટુન-ચિત્રો સાથેની તેમજ મોટી સાઇઝની છત્રીઓ ની માર્ગો અને દુકાનોમાં ખરીદી શરુ થઇ ગઇ છે. સામાન્ય રીતે અત્યારે મોટાભાગના લોકો રેઈનકોટનો ઉપયોગ કરતા હોય પરંતુ છત્રીની તો કંઈક મઝા જ અલગ હોય છે. ચોમાસાના સુંદર વાતાવરણમાં અને વરસતા વરસાદમાં મજ્જાની છત્રી લઈને નીકળવાનો આનંદ અલગ જ હોય છે અને એટલા માટે જ અવનવી ભાતની, વૈવિધ્યસભર ડીઝાઈનની છત્રીઓ અત્યારે માર્કેટમાં વેચાવા લાગી છે.

છત્રીની જો વાત કરવામાં આવેતો છત્રીને અંગ્રેજીમાં અમ્બ્રેલા કહેવા છે અને અમ્બ્રેલા શબ્દ ઈટાલીયન ભાષાના અમ્બ્રા શબ્દ પરથી બન્યો છે. અમ્બ્રાનો અર્થ થાય છાંયડો. એક સમય હતો કે જ્યારે છત્રી માત્રા મોટા ગજાના લોકો પોતાના શિર એક છત્ર તરીકે રાખતા અને તેમાં પાછો તેમનો વટ પડતો. પરંતુ આજે છત્રી ચોમાસા દરમિયાન સામાન્ય માણસના જીવનની જરૂરીયાત બની છે. અને એમાં પણ હવે અલગ અલગ રંગ અને વિવિધ ડીઝાનની છત્રીઓ બજારમાં વેચાવા માટે આવી ગઈ છે જેને જોતા જ તે ખરીદી લેવાનું મન થાય.

(અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]