ભાદરવો ભરપૂરઃ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ શહેરમાં ફરી એક વાર વરસાદ જામ્યો છે. શહેરમાં ભરબપોરે કાળાં ડિબાંગ વાદળો જામતાં અંધારપટ છવાયો હતો. જેથી શહેરમાં કડાકાભડાકા સાથે  વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગે હાલમાં જ રાજ્યમાં પાંચ દિવસની વરસાદની આગાહી કરી હતી.

સતત ત્રીજા દિવસે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો..અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. શહેરના એસજી હાઇવે, વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, મણિનગર, વટવા, રામોલ, નિકોલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

શહેરના ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે એક વૃક્ષ ધરાશાયી થયું છે. જેથી અનેક વાહનો અટવાયાં હતાં. બંગાળની ખાડી અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની હોવાને કારણે આ સપ્તાહમાં રાજ્યમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગે (IMD) આગામી 16મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ આગામી સપ્તાહમાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસું સક્રિય થવાની શક્યતા પણ દર્શાવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિબાગે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

રાજ્યમાં ભાવનગરના વલ્લભીપુરમાં સાડાત્રણ ઇંચ અને ભુજમાં ત્રણ ઇંચ સહિતના 75 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.