રાજકોટઃ હવામાન વિભાગના દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, જે મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈ કાલ રાતથી બપોર સુધીમાં 11 ઇંચ જેટલો ભારે વરસાદ રાજકોટમાં નોંધાયો છે. રાજકોટ અને જામનગરમાં ચોમાસાની સીઝનનો વરસાદ જાણે બે દિવસમાં પડી ગયો છે.જામનગરમાં પણ બે કલાકમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ વરસાદને પગલે આ શહેરોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. રાજકોટના માર્ગો પર જાણે નદી વહેવા લાગી હતી. ભારે વરસાદને પગલે તમામ સ્કૂલોને બંધ કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યા હતા.
નવા મુખ્ય પ્રધાને પણ નવા મુખ્ય પ્રધાનના શપથ લેતાની સાથે રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ માટે તાગ મેળવ્યો હતો અને જરૂરી પગલાં લેવા માટે બેઠક યોજી હતી.
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો ભારે વરસાદથી બંધ થયો છે, જેમાં મવડી ગામની નદીમાં પૂર આવતા રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત કણકોટ ગામને જોડતો રસ્તો પણ ભારે વરસાદને પગલે બંધ થયો છે. સાંબેલાધાર વરસાદને કારણે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાની ખીરસરા ગામની મહાદેવડી નદીના રિવરફ્રંટમાં ઘોડાપૂર આવ્યું છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓ અને ચેકડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં મળીને કુલ ચાર જગ્યાએ પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ હોવાની ઘટના સામે આવી હતી. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે રાજકોટમાં જંગલેશ્વર ભગવતી પરા લલુડી વોકળી રૂખડિયા પરા સહિતના વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસ્યા છે. આશરે 1000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તથા મહાપાલિકાની ટીમો વિવિધ સ્થળે તહેનાત કરવામાં આવી છે.
જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાનાં ગામડાંઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ભારે વરસાદને કારણે 25માંથી છ ડેમ ઓવરફ્લો થયા છે. જામનગરમાં ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર સજ્જ થયું છે. ભારે વરસાદને પગલે જામનગરમાં બે NDRF રેસ્ક્યુ ટીમ તહેનાત કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે જામનગરથી કાલાવડ અને રાજકોટ તરફના બંને રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
જામનગરનો રણજિત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. જામનગરમાં વરસાદને પગલે વિજરખી ડેમમાં નવા નીરની આવક થઈ છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં જામનગર-કાલાવડ હાઈ-વે બંધ થયો છે. કોઝ-વે પરથી ચાર ફૂટથી વધુ પાણી વહેતું હોવાથી વાહનવ્યહાર બંધ કરાયો છે. જામનગરના કાલાવડ તાલુકાનુ બાંગા ગામ પણ બેટમાં ફેરવાયું છે. બાંગા ગામનાં અનેક ઘરો પાણીમાં ગરકાવ થયાં છે. પાણીમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા છે. ભારતીય હવાઇ દળનું હેલિકોપ્ટર બચાવ કામગીરી માટે કામે લાગ્યું છે.