અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી જ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર અને બનાસસકાંઠા તથા સાબરકાંઠા માટે આવતી કાલે યલો એલર્ટ આપ્યું છે. વિભાગે હજી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે રાજ્ય અને પંચાયત હાઇવે સહિત આશરે 388 રસ્તાઓ બંધ થઈ ગયા છે, જ્યારે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાંથી 3000 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં વરસી રહેલા સતત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારીમાં અંબિકા અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીઓ ભયજનક સપાટીને પાર કરી જતાં 2500 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો છે, ત્યાં NDRFની ટીમો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
નવસારીની પૂર્ણા અને અંબિકા, વલસાડની ઔરંગા અને દમણગંગા નદી તથા રાજકોટની આજી નદીમાં ભારે વરસાદ બાદ ધસમસતાં પાણી વહી રહ્યાં છે. તંત્ર દ્વારા લોકોને કાંઠા વિસ્તારોથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.
રાજકોટમાં ભારે વરસાદ બાદ આજી નદીમાં ઘોડાપૂર
રાજકોટમાં પણ નવ ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં શહેર તથા જિલ્લાના અન્ય ભાગોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં છે. શહેરમાં ભારે વરસાદ બાદ અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયાં છે. ભારે વરસાદને પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી
રાજ્યમાં 18 જેટલા ડેમ હાઈ એલર્ટ પર છે. 15 જેટલા ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, 11 જેટલા ડેમ પર એલર્ટ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં 534 એમ.એમ. નોંધાયો છે. નર્મદાના તિલકવાડામાં 508 એમ.એમ., ઉમરપાડામાં 427 એમ.એમ., સાગબારામાં 422 અને કપરાડામાં 401 એમ.એમ. વરસાદ નોંધાયો છે.