5 ઓક્ટોબરના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં રોબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ સહિત ન્યુજર્સીના અનેક મેયરોના પ્રતિનિધિમંડળનું સન્માન કરવામાં આવ્યું હતું.
8 ઓક્ટોબર, 2023ના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય ઉદઘાટન નિમિત્તે યોજાઈ રહેલા નવદિવસીય વિશિષ્ટ કાર્યક્રમોની શૃંખલાના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું.
વેસ્ટ વિન્ડસર, ન્યુ જર્સીના મેયર હેમંત મરાઠેએ જણાવ્યું, “સમાજમાં, અત્યંત સામાન્ય વસ્તુઓ ઉપર 100 લોકો સાથે સહમત થવું પણ મુશ્કેલ હોય છે છે. જ્યારે અહીં, વિવિધ ઉંમરના, વ્યવસાયો અને સામાજિક-આર્થિક સ્તરના 12,500 થી વધુ લોકો સાથે મળીને, તેઓના વ્યક્તિગત જીવનથી ઉપર ઊઠીને આવા સુંદર સર્જનમાં પોતાનું યોગદાન આપે, તે સમાજ માટે ઉદાહરણરૂપ છે, બોધપાઠરૂપ છે.”
અક્ષરધામ ખાતે ન્યૂજર્સીના વિવિધ મેયરોની ઉપસ્થિતિ દર્શાવે છે કે અક્ષરધામ જેવા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કેન્દ્રો કેવી રીતે સમાજમાં અનેકવિધ સમુદાયો વચ્ચે સંવાદિતાના સેતુને મજબૂત કરીને સામાજિક સેવામાં અમૂલ્ય પ્રદાન આપી શકે છે.
પેન્સિલવેનિયાના ભૂતપૂર્વ યુએસ પ્રતિનિધિ, થોમસ મોરિનોએ જણાવ્યું, “હું એવું માનતો હતો કે હું એક સારી વ્યક્તિ છું. પણ આ સ્થાનમાંથી વિદાય લેતી વખતે મારું હૃદય મને વધારે દયાળુ બનવાનું કહી રહ્યું છે. મારુ હૃદય કહી રહ્યું છે કે હું કેવી રીતે વધારે લોકોને મારા તરફથી કઇંક આપી શકું, કેવી રીતે મારા પાડોશી સાથે સંવાદ સાધી શકું, કેવી રીતે મુશ્કેલીમાં રહેલા કોઈ બાળકને મદદ કરી શકું. આજની આ ક્ષણો અસાધારણ અનુભૂતિ કરાવી રહી છે.”
જેઓ અક્ષરધામ પ્રોજેક્ટના પ્રખર સમર્થક રહ્યા છે તેવા રોબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ, રોબિન્સવિલ સમુદાય અને અક્ષરધામ વચ્ચે મજબૂત સંબંધને ઉત્તેજન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સાંસ્કૃતિક ઉત્થાન અને જાળવણી પ્રત્યે અને આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ માટેના તેમના અતૂટ સમર્થને અક્ષરધામ મહામંદિરને સાકાર કરવામાં અગત્યની ભૂમિકા ભજવી છે.
રોબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ પોતાના સંબોધનમાં જણાવ્યું, “અક્ષરધામ અને આ સમુદાય રૉબિન્સવિલ સમુદાયનો એક ભાગ બની ગયો છે. અમને ગૌરવની લાગણી છે અને આપના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આ સર્જન માટે રૉબિન્સવિલને પસંદ કર્યું. તમારા વિઝનથી તમે જમીનના એક ટુકડાને અકલ્પનીય રીતે વૈશ્વિક અજાયબીમાં પરિવર્તિત કરી દીધો છે. “
ન્યુયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ દ્વારા વિડીયો શુભેચ્છા સંદેશમાં જણાવવામાં આવ્યું કે, “BAPS સંસ્થાને સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના ભવ્ય લોકાર્પણ માટે હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. BAPS અને હિન્દુ કોમ્યુનિટી આપણાં દેશમાં ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે અને આપણાં શહેરની સંસ્કૃતિમાં યોગદાન આપી રહ્યા છે. આંતરધર્મીય સંવાદિતા માટે અને સામાજિક સેવા માટે આપના તમામ કાર્યોની હું સરાહના કરું છું. આધ્યાત્મિકતા અને સેવા એકબીજામાં ઓતપ્રોત હોવા જોઈએ. હું પુનઃ આપને આ સીમાચિન્હરૂપ સફળતા માટે અભિનંદન પાઠવું છું.”
અક્ષરધામના ભવ્ય ઉદઘાટન સુધી યોજાનાર સર્વે કાર્યક્રમોમાં શ્રદ્ધા, એકતા અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યોનું નિદર્શન છે, જેને આજના કાર્યક્રમમાં ભાગ લેનાર ડેવિડ ફ્રાઈડ, અન્ય મેયરો અને તેમના પ્રતિનિધિમંડળ દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા.
