UGCએ BAOUને ગ્રેડેડ ઓટોનોમીનો દરજ્જો આપ્યો

અમદાવાદઃ દેશની યુનિવર્સિટીઓને તેની ગુણવત્તાને આધારે સ્વાયત્તતા પ્રદાન કરવા માટે UGC દ્વારા ગ્રેડેશન નક્કી કરવા માટેની ચોક્કસ નીતિઓને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ‘કેટેગરી-૧’ યુનિવર્સિટી તરીકેનો દરરજ્જો પ્રાપ્ત કરનારી દેશની એકમાત્ર ઓપન યુનિવર્સિટી બનવાની સાથે રાજ્યની પણ પ્રથમ યુનિવર્સિટી હોવાનું બહુમાન ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)ને ફાળે જાય છે.

“કેટેગરી-૧” શ્રેણી પ્રાપ્ત થવાથી ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને વિદ્યાકીય સ્વાયત્તતા મળશે, જેને આધારે નવાં અભ્યાસક્રમ સંરચના, નવાં વિભાગો, સંશોધન – અધ્યયન કેન્દ્ર વિસ્તાર, વિદેશી ફેકલ્ટીની નિમણૂક અને વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બાબતની અનેકવિધ શક્યતાઓનાં દ્વાર ખૂલશે. વિદ્યાવિસ્તારની પ્રોત્સાહક યોજનાઓ, તથા સર્વાંગી શૈક્ષણિક વિકાસ માટે સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની યુનિવર્સિટીને મોકળાશ મળશે.

વિશ્વની પ્રથમ પંક્તિની ૫૦૦ યુનિવર્સિટી સાથે તંદુરસ્ત સ્પર્ધામાં જોડતી આ ઉપલબ્ધિ બદલ રાજ્યના  વિદ્યાજગત તરફથી ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને સાર્વત્રિક અભિનંદન મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે નેક એક્રેડિટેશનમાં એ ડબલ પ્લસ (A++) જેવો ઊંચો ક્રમાંક પ્રાપ્ત કરવાની તાજેતરની સિદ્ધિ બાદ UGC દ્વારા ‘કેટેગરી-૧’ યુનિવર્સિટી તરીકે દરરજો પ્રાપ્ત કરીને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ ઉલ્લેખનીય સિદ્ધિ મેળવી છે.