અમદાવાદઃ ઉતરાયણમાં જ્યારે પતંગરસિકો જ્યારે ફિરકી, નાના-મોટા પતંગની ખરીદી કરી આનંદ માણે છે, જ્યારે નાનાં બાળકો ગેસ ભરેલા ફુગ્ગાઓ ઉડાડી ઉત્સવની ઉજવણી કરે છે. મકર સંક્રાંતિમાં પતંગોની સાથે બાળકો માટે ગેસ ભરેલા રંગબેરંગી ફુગ્ગા અને વિવિધ આકારના બલૂન અવશ્ય દેખાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી જુદા-જુદા કદ અને રંગોવાળા બલૂન મોટી સંખ્યામાં જોવા મળે છે.
શહેરની ફૂટપાથો, માર્ગો પર વિચરતી જાતિઓના લોકો તહેવાર-ઉત્સવોને અનુરૂપ ચીજવસ્તુઓનો વેપાર-ધંધો કરતાં જોવા મળે છે. જેમાં ઉતરાયણના પર્વમાં જુદા-જુદા બલૂનનું વેચાણ કરતાં અસંખ્ય લોકો માર્ગો પર જોવા મળે છે.
છેલ્લા ઘણા સમયથી અવનવા રમકડાં હવે બજારમાં ઉપલબ્ધ છે અને વિવિધ આકાર- કદના બલૂન પણ મળે છે. પતંગોત્સવ બાળકોના આનંદ માટે ટીવી પરના પ્રોગ્રામમાં આવતા કાર્ટૂનને અનુરૂપ બલૂન તૈયાર કરવામાં આવે છે.
છોટા ભીમ, સુપરમેન, ડોરેમોન, પોકેમોન, સ્પાઇડરમેનની સાથે એરોપ્લેન, ગદા, બોલ, પાન્ડા જેવા અનેક આકારમાં રંગબેરંગી બલૂન મળે છે. મોટા હોલસેલ રમકડાં માર્કેટમાંથી ખરીદી કરી હજારો નાના પાથરણાંવાળા કે ફેરિયાઓ બલૂનમાં હવા ભરી ઉત્તરાયણમાં વેચાણ કરે છે. દરેક વિસ્તારોમાં ગેસ ભરેલા ફુગ્ગા અને બલૂનથી આખુંય વાતાવરણ રંગબેરંગી થઈ જાય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
