ભગવો લહેરાય ત્યાંસુધી ભારતીય સંસ્કૃતિ સલામતઃ નીતિન પટેલ

અમદાવાદઃ રામમંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમમાં ‘લવ જેહાદ’ મુદ્દે ઉપ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશે બનાવેલા ‘લવ જેહાદ’ અંગેના કાયદાનો ગુજરાત અભ્યાસ કરશે અને જરૂર પડ્યે ‘લવ જેહાદ’ સામે કાયદો બનાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે શા માટે ‘લવ જેહાદ’ જેવા કાયદાઓ લાવવા પડે છે, કેમ? આપણા દીકરા-દીકરીઓ અન્ય ધર્મના લોકો સાથે જાય છે. જ્યા સુધી ભગવો લહેરાય છે ત્યાંસુધી ભારતીય સંસ્કૃતિ સલામત છે. ભારત ત્યારે જ સુરક્ષિત બનશે, જ્યારે ધર્મ સુરક્ષિત હશે.

વિશ્વ હિંદુ પરિષદે રામ મંદિર માટે ફાળો એકત્ર કરવા માટે શરૂ કરેલી ઝુંબેશ અંતર્ગત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે ‘લવ જેહાદ’ જેવો કાયદો ગુજરાતમાં બનાવવા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. જે લોકો બીજા ધર્મની દીકરીઓ સાથે અણછાજતો વ્યવહાર કરે છે એના કારણે ઉશ્કેરાટની પરિસ્થિતિ થાય છે. મધ્ય પ્રદેશ અને ઉતર પ્રદેશ સરકારે ‘લવ જેહાદ’ માટે કાયદો ઘડ્યો છે. આ કાયદાનો અભ્યાસ કરીને જરૂર પડ્યે ગુજરાતમાં નવો કાયદો ઘડવામાં આવશે.

હિન્દુ સંસ્કૃતિ માટે ‘લવ જેહાદ’ની બનતી ઘટનાને તેમણે ચિંતાજનક ગણાવી હતી અને ‘લવ જેહાદ’ના કાયદાને વિધર્મીની કુદ્રષ્ટિ સામેનું હથિયાર ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હિન્દુ યુવતીઓને લોભ-લાલચ આપી ફસાવીને અન્ય ધર્મના લોકો લગ્ન કરે છે. પછી મોટા પ્રમાણમાં આ છોકરીઓ નાસીપાસ થાય છે. આવું ન થાય એ જરૂરી છે.