કાંકરિયા ઝૂમાં નવા વાઘ અને દીપડાનું આગમન

અમદાવાદ: કાંકરિયાના પ્રાણીસંગ્રહાલય અમદાવાદનું એક મહત્વનું આકર્ષણ છે. જેમાં વિવિધ પ્રકારના દેશ-વિદેશના પ્રાણીઓ અને પક્ષીઓ જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટે છે. સમયાંતરે અમદાવાદ મહાનગરપાલિકા નીત નવા આકર્ષણો ઉમેરે છે. તેના ભાગ રૂપે દિવાળી પહેલા મહારાષ્ટ્રથી નવા મહેમાનનું આગમન થયું છે. જેમાં બે નવી વાઘણ સહિત છ નવા દીપડાને નાગપુરથી કાંકરિયાના પ્રાણીસંગ્રહાલયમાં લાવવામાં આવ્યાં છે. લોકો આજે શનિવારથી જ આઠ નવા સમાવેશ કરવામાં આવેલા પ્રાણીઓને નિહાળી શકશે. ધારાસભ્ય અમિત શાહ, કોર્પોરેશન અને વહીવટી તંત્ર સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવા પ્રાણીઓની ભેટ આપી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના નાગપુરના ગોરેવાડા પ્રાણીસંગ્રહાલય સાથે વિનિમય પ્રથાના ભાગ રૂપે આ પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. બે વાઘણ અને ત્રણ જોડી દીપડા મળી કુલ આઠ પ્રાણીઓના બદલામાં કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાંથી 19 જેટલા પશુ-પક્ષીઓ ગોરેવાડા પ્રાણીસંગ્રહાલયને આપવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, નવી દિલ્હીના નીતિ નિયમ પ્રમાણે આ પ્રાણીઓને વિશિષ્ટ પ્રકારના વાતાવરણ માટે મુલાકાતીઓથી દૂર રાખવા માટે તેમને એક મહિના સુધી ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા હતા. કાંકરિયાના પ્રાણીસંગ્રહાલયના વાતાવરણમાં ટેવાઈ ગયા બાદ આ પ્રાણીઓને મુલાકાતીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યાં છે. દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. તહેવારોમાં કાંકરિયામાં આશરે 25 હજારથી વધુ લોકો મુલાકાતે આવતા હોય છે. કાંકરિયાના પ્રાણીસંગ્રહાલય ખાતે લોકો બાળકો અને પરિવાર સાથે પ્રાણીઓને જોવા અને પ્રકૃત્તિને માણવા આવતા હોય છે. આ પ્રાણીસંગ્રહાલયમાં એક સિંહ અને બે સિંહણ, એક સફેદ વાઘણ અને ત્રણ વાઘણ, નવ દીપડા જેમાં ચાર નર અને પાંચ માદા, એક રીંછ, એક હાથી, બે હિપોપોટેમસ, નવ શિયાળ સહિત મોટી સંખ્યામાં દેશ-વિદેશના પક્ષીઓ છે. આ સાથે સરીસૃપો મળીને 2100 વન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે.