વડોદરાઃ રાજ્ય સહિત દેશમાં જે ઇન્જેક્શનની કોરોનાના દર્દીઓની સારવાર માટે ખૂબ જરૂરિયાતના પગલે તંગી સર્જાઈ છે એ રેમડેસિવિરની કાળાબજારનું રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ખુલ્લું પાડ્યું છે. સુભાનપુરાના એક શખસને પકડયા બાદ તેની મિલીભગતમાં રહેલા અન્ય ચાર યુવક પકડાયા હતા. પોલીસે તેમની પાસેથી 90 ઇન્જેકશન તથા 2 લાખ રોકડા મળી 7.61 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો.
અમદાવાદ અને આણંદમાં ચાલી રહેલા આ કૌભાંડમાં ફાર્માસિસ્ટ મેડિકલ સ્ટોર અને એજન્સીની મિલીભગતમાં આ કૌભાંડ ચાલી રહ્યુ હતું. આ ટોળકીએ દોઢ મહિનામાં 400 ઇન્જેકશન કાળા બજારમાં વેચી માર્યા છે.
પોલીસ કમિશનર ડો.શમશેર સિંહે જણાવ્યું હતું કે રેમડેસિવિર ઇન્જેકશનનું કાળા બજાર થતું હોવાની બાતમી ડીસીપી ક્રાઇમ જયદિપસિંહ જાડેજાને મળી હતી. જેને આધારે સુભાનપુરાના ઋષિ પ્રદિપભાઇ જેધને નૂતન વિદ્યાલય પાસેથી ઝડપી પાડયો હતો. તેની પાસેથી 17 ઇન્જેકશન મળ્યાં હતા. તેની પૂછપરછના આધારે પોલીસે કલાલી રોડ પર શ્રોફ ફાઉન્ડેશન હોસ્પિટલના મેડિકલ સ્ટોરના કર્મચારી વિકાસ લક્ષ્મણ પટેલને પણ 12 ઇન્જેકશન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
આ ટોળકી એક ઇન્જેકશનના 16,000થી માંડી 20,0000માં વેચતી હતી. દોઢ માસમાં 400 ઇન્જેકશન ઊંચા ભાવે વેચ્યા હતા. બીજાં 400 ઇન્જેકશન મગાવ્યાં હતાં. આ કૌભાંડમાં આણંદની સ્ટોર સંચાલક આયેશાની સંડોવણી ખૂલી છે. કૌભાંડનો રેલો અમદાવાદ સુધી લંબાય તેવી વકી છે.
