કેજરીવાલનું એડી ચોટીનું જોરઃ મતદારોને વધુ વચનોની લહાણી

અમદાવાદઃ આમ આદમી પાર્ટી એ વિધાનસભાની ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવી દીધું છે. આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન રાજ્યની મુલાકાતે છે, ત્યારે તેમણે ચૂંટણીલક્ષી અનેક જાહેરાતો કરી છે. તેમણે હિંમતનગરમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ગુજરાતના લોકો બહુ દુખી છે. તેઓ કહે છે કે તેમની પાસે કોઈ વિકલ્પ નથી. અમે હેલ્થ અને શિક્ષણ અને મહિલાઓ માટે સારું કામ કર્યું છે. તેમણે દાવો કર્યો હતો કે રાજધાનીમાં ભાજપનું ઓપરેશન લોટસ ફેલ થઈ ગયું છે.

તેમણે રાજ્યના મતદારોને શિક્ષણની ગેરન્ટી આપતાં કહ્યું હતું કે કેજરીવાલને તક આપો, જો આપની સરકાર બનશે તો રાજ્યના દરેક બાળક માટે મફત શિક્ષણ વ્યવસ્થા કરવામાં આવશે. દરેક સરકારી શાળા ખાનગી સ્કૂલ જેવી બનાવવામાં આવશે અને શિક્ષકોની અછત દૂર કરવામાં આવશે. ખાનગી સ્કૂલોને ગેરકાયદે રીતે ફીવધારો કરવા નહીં દેવાય. શિક્ષણની ખરાબ પરિસ્થિતિ ભાજપના કુશાસનનાં 27 વર્ષોનું પરિણામ છે. જો પાછી તેમની સરકાર આવશે તો વધુ પાંચ વર્ષ બગડશે, એમ તેમણે કહ્યું હતું. રાજ્યમાં અમારી સરકાર આવશે તો એક જ વર્ષમાં એક લાખ શિક્ષકોની ભરતી કરીશું. વિદ્યા સહાયકોની તમામ સમસ્યાઓનો પણ ઉકેલ લાવીશું.

તેમણે બીજી આરોગ્યની ગેરંટી આપતાં કહ્યું હતું કે સરકારી દવાખાનાના તંત્રને ખતમ કરવામાં આવી રહ્યું છે જેથી લોકો ખાનગી હોસ્પિટલ જવા મજબૂર થાય. દિલ્હીમાં અમે સરકારી હોસ્પિટલો અને મહોલ્લા ક્લિનિકને શાનદાર બનાવ્યાં. અમે દવા, ટેસ્ટ, ઓપરેશન બધું જ બે કરોડ લોકો માટે દિલ્હીમાં મફત કર્યું છે. હવે અમે સત્તા પર આવીશું તો રાજ્યમાં દરેક વ્યક્તિને સારી અને મફત સારવાર મળશે.