અદાણી કૌશલ વિકાસ કેન્દ્રને મહિલા સશક્તીકરણ માટે એવોર્ડ

અમદાવાદઃ સમાજના વિવિધ વર્ગોમાં રહેલી સુષુપ્ત કૌશલ્ય શક્તિઓને બહાર લાવી તેમને તાલીમ મારફત સ્વરોજગારીનું માધ્યમ બનાવી તેઓને સક્ષમ બનાવવાની બિનનફાકારક પરિણામલક્ષી પ્રવૃત્તિઓ  કરી રહેલા દેશના અગ્રણી અદાણી ઔદ્યોગિક જૂથના અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરે (ASDCએ) CMO એશિયા એવોર્ડઝ મહિલા સશક્તીકરણ માટેનો ઓર્ગેનાઇઝેશનલ એકસલન્સ એવોર્ડ જીત્યો છે. સમાજના નબળા વર્ગની મહિલાઓના સામાજિક-આર્થિક દરજ્જાને વિશ્વ કક્ષાની તાલીમ આપીને સ્વરોજગારી માટે સક્ષમ બનાવવા માટે -કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી બદલ અદાણી કૌશલ વિકાસ કેન્દ્રને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 

ASDCએ તેની કામગીરીને પરિપૂર્ણ કરવા માટે દેશમાં કેન્દ્રોની સ્થાપના કરી છે. ભારતનાં ૧૧ રાજ્યોમાં ૨૦થી વધુ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ફેલાયેલી તેની પ્રવૃત્તિ મારફત ૭૫ જેટલા કૌશ્લ્ય વિકાસ સંબંધી તાલીમી કાર્યક્રમો ચલાવે છે. ASDCની કામગીરીના ફળ સ્વરૂપ એક લાખથી વધુ વિદ્યાર્થીઓને કૌશલ્ય તાલીમથી સજ્જ કર્યા છે, જેઓ આજે સ્વતંત્ર રીતે પોતાની આજીવિકા કમાઇ રહ્યા છે.

અદાણીનાં કેન્દ્રોમાં તાલીમ પામેલા વિદ્યાર્થીઓ પૈકી ૬૦ ટકા મહિલાઓ છે, જેના લગભગ ૬૭ ટકા મહિલાએ આજીવિકા પેદા કરવાની શરૂઆત કરી છે. ASDC દ્વારા ઓફર કરવામાં આવેલા તાલીમી અભ્યાસક્રમોમાં તાલીમ લેનારા ૧૮ વિદ્યાર્થીઓને વિદેશોમાં ઓફર થયેલી નોકરીઓ છે. ASDCમાં ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે આ પ્રદેશોમાં સામાજિક અને આર્થિક પરિવર્તન હાંસલ કરવા માટે સિમ્યુલેશન-આધારિત શીખવાની ટેકનીક દાખલ કરી છે.

મહિલાઓના સશક્તીકરણની દિશામાં ASDC દેશભરના કેટલાક સામાજિક સમુદાયોને જોડીને કામ કરી રહ્યું છે. આ પૈકીના નોંધપાત્ર જૂથોમાં ઝારખંડનું  ફૂલો ઝાનું સક્ષમ આજીવિકા સખી મંડળ, કેરળના ક્લીન 4 યુ, યુ મી.એન્ડ ટી કાફે, અને વિઝ માર્ટ, ઉત્તર પ્રદેશના કાશી પ્રેરણા સક્ષમ પ્રોડ્યુસર કંપની છે. આ જૂથોની મહિલાઓને રૂ.૧૨થી ૧૫ હજારની રેન્જમાં સફળતાપૂર્વક નોકરી મળી છે.