રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરની વચ્ચે ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની હોવાને કારણે ભારે વરસાદ વરસશે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. હવામાન વિભાગનાં ડિરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે રાજ્યમાં પાંચ દિવસ વરસાદ રહેશે.

અમદાવાદમાં હળવાથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે. રાજ્યમાં ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરના પ્રારંભ સુધી વરસાદ રહેવાની સંભાવના છે. પાટણમાં અઢી ઈંચ વરસાદ વરસી ગયો છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમ સહિતના રાજ્યના નાના-મોટા જળાશયોમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. રાજ્યના 42 તાલુકાઓમાં એકથી ચાર ઇંચ વરસાદ વરસ્યો છે, જેમાં પાટણમાં બે ઇંચ, મહેસાણામાં 1.92 ઇંચ, પાટણના રાધનપુર અને વિસનગરમાં 1.8 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વડનગ, પાટણના સાંતલપુર, અરવલ્લીના મેઘરજમાં 30 એમએમથી વધુ વરસાદ વરસ્યો છે. ધરોઈ ડેમમાંથી સાબરમતીમાં પાણી છોડવામાં આવતાં નદી કાંઠાના સાત જિલ્લાને એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં સરેરાશ 98.13 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 151.94 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 98.94 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 81.10 ટકા, સૌરાષ્ટ્રમાં 88.81 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108.15 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે 1200થી વધુ રસ્તાઓને નુકસાન થયું છે, જેમાં 650 રાજ્યના હાઇવે અને 175 રાષ્ટ્રીય હાઇવેને નુકસાન થયું છે.