ગણપત વિદ્યાનગરઃ વિદ્યા દ્વારા સમાજના ઉત્કર્ષના સંકલ્પ-સૂત્ર સાથે પોતાના વિદ્યાર્થીઓનાં કારકિર્દી તેમજ ચારિત્ર ઘડતર માટે તત્પર અને શ્રેષ્ઠ પ્રયત્નો કરતી ગુજરાતની હાઈ-ટેક તરીકે ખ્યાતિ પામેલી ગણપત યુનિવર્સિટીએ એની સિદ્ધિનું એક નવું શિખર હાંસલ કર્યું છે.
દક્ષિણ કેલિફોર્નિયા, અમેરિકાની સુપ્રતિષ્ઠિત યુનિવર્સિટી કાલ પોલિ પોમોના “યુનિવર્સિટી એડવાન્સમેન્ટ”ના વાઇસ પ્રેસિડેન્ટ એવા જ્ઞાન અને અનુભવથી સમૃદ્ધ ડેનિયલ ઈ. મોન્ટપ્લેઇસરની ગણપત યુનિવર્સિટીના “જોઈન્ટ ડિરેક્ટર જનરલ” તરીકે નિમણૂક થતા એમણે ફરજ ઉપર હાજર થઈ પોતાના કાર્યનો પહેલી મે, ગુજરાતના સ્થાપના-દિવસના રોજ શુભ આરંભ કર્યો હતો. યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ પ્રોફેસર ડો. મહેન્દ્ર શર્માએ એમને મીઠાઈથી ગળ્યું મોઢું કરાવીને તો પ્રો. રેમી મિત્રા અને ડો. શ્રીમતી નાગેશ્વરને ફુલ-ગુચ્છથી એમનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કર્યું હતું. આ અવસરે ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલે પણ ઓનલાઇન ઉપસ્થિત રહીને ડેનિયલને શુભકામનાઓ પાઠવી હતી. ગણપત યુનિવર્સિટીના પ્રો. વાઇસ ચાન્સેલર પ્રો. ડો.આર.કે. પટેલ, પ્રો. ડો.સૌરભ દવે, પ્રો. ડૉ.સત્યેન પરીખ, પ્રો. ડૉ.કિરણ અમીન, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર (એડમીન) ડો.ગિરીશ પટેલ સહિત અન્ય ડીન સાહેબો, આચાર્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ડેનિયલે અમેરિકાની સુવિખ્યાત યુનિવર્સિટીના “કાલ પોલિ પોમોના ફિલાન્થૉપિક ફાઉન્ડેશન”ના સી.ઈ.ઓ. (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) તરીકે બહુ મહત્વની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે.
ભારતમાં અને ગુજરાત રાજ્યમાં ઉચ્ચ અભ્યાસ માટેની એક શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા તરીકેનું સન્માન પામેલી ગણપત યુનિવર્સિટીના હજુ વધુ વિકાસ-ઉત્કર્ષમાં પોતાનો ઉત્કૃષ્ટ સહયોગ પ્રદાન કરી એક મહત્વના હોદ્દેદાર-આગેવાન તરીકે ડેનિયલ મોન્ટપ્લેઇસર યુનિવર્સિટીની બ્રાન્ડને-પ્રતિષ્ઠાને વધુ તેજ અને વધુ શ્રેષ્ઠ બનાવવાની બહુમૂલ્ય સેવાઓ અર્પણ કરશે.
ઉત્તમ કૌશલ્ય વિકાસ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઇન્ટરનેશનલ રિલેશન્સ, એજ્યુકેશનલ પાર્ટનરશીપ, સરકાર તેમજ કોર્પોરેટ્સ સાથેના સંબંધોની જાળવણી, ફંડ રેઈઝિંગ, એલ્યુમની એસોસિએશન્સ, સ્ટાર્ટ-અપ્સ તેમજ સંસાધનોની વૃદ્ધિ દ્વારા દેશની આત્માનિર્ભર બનવાની જે કોશિશ છે તેમાં પણ ડેનિયલ યુનિવર્સિટીની પ્રગતિ દ્વારા પોતાનું મહત્વનું પ્રદાન કરશે.
અમેરિકાની અનેક જાહેર તેમજ ખાનગી ઉચ્ચ અભ્યાસની સંસ્થાઓમાં જવાબદાર હોદાઓ ઉપર રહી કામ કરવાનો ડેનિયલને 30 વર્ષ જેવો બહોળો અનુભવ છે.
અમેરિકાના “સોશિયલ મોબિલિટી ઇન્ડેક્ષ”માં કાલ પોલિ પોમોના યુનિવર્સિટીની બહુ ઊંચી રેન્ક છે, કારણ કે અહીં ભણવા આવતા દરેક ગરીબ વિદ્યાર્થીઓ પણ પોતાના શિક્ષણ દરમિયાન ઊંચું કાર્ય-કૌશલ્ય હાંસલ કરી પોતાની મનગમતી જોબ મેળવી કે મનગમતું કામ કરી સારી આર્થિક-સ્થિતિનું નિર્માણ કરી શકે છે !
કાલપોલી યુનિવર્સિટી પહેલા ડેનિયલ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ઇરવિન (યુસીઆઈ)માં “આસિસ્ટન્ટ વાઇસ ચાન્સેલર” તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ત્યાં એમણે વન બિલિયન ડોલરના “રોપિંગ ધી ફ્યુચર” કેમ્પેઇનની જવાબદારી સહિત અનેક મહત્વની ફરજો સફળતાપૂર્વક બજાવી હતી. આ યુનિ. પણ અમેરિકાની 1400 જેટલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં પ્રથમ 10માં ગૌરવભર્યું સ્થાન શોભાવે છે.
અમેરિકાની બીજી પણ અનેક યુનિવર્સિટીઓમાં ખૂબ મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા ડેનિયલે બી.એ. થઈ મેનેજમેન્ટમાં માસ્ટર કરેલું છે. ઉપરાંત તેઓ સર્ટિફાઈડ ફન્ડ-રેઈઝર પણ છે. એમના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે.
