ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજ્યની નવી પ્રવાસન નીતિ ર૦ર૧-રપની જાહેરાત કરી છે, જેમાં રાજ્યમાં પ્રવાસન વૃદ્ધિ સાથે પર્યાવરણ સમૃદ્ધિનો નવતર અભિગમ અપનાવ્યો છે. આ નવી પ્રવાસન નીતિ ૧ જાન્યુઆરી, ર૦ર૧થી ૩૧ માર્ચ, 20રપ સુધી અમલમાં રહેશે. મુખ્ય પ્રધાને પ્રવાસનપ્રધાન જવાહરભાઈ ચાવડા અને રાજ્યપ્રધાન વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રવાસન નીતિની જાહેરાત કરી હતી. રાજ્યની પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને આ પોલિસીમાં વિવિધ પ્રકારના ટુરિઝમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
અતિથિ દેવો ભવઃ’ના સૂત્રને ધ્યાનમાં રાખીને ગુજરાતની મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓને એક સુરક્ષિત, આરામદાયક અને અદભુત પ્રવાસનનો અનુભવ દ્વારા ગુજરાતને એક સુરક્ષિત પ્રવાસન સ્થળ બનાવવાનો આ પોલિસીનો હેતુ છે. આ નવી પ્રવાસન નીતિમાં પ્રવાસન ક્ષેત્રે નવાં રોકાણો અને સ્થાનિક સમુદાયો માટે રોજગાર અવસર ઊભા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ નવી પ્રવાસન નીતિનું લોંચિંગ કરતાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ‘આત્મનિર્ભર ભારત’ના દ્રષ્ટિકોણ સાથે આ નવી પ્રવાસન નીતિમાં ‘‘વોકલ ફોર લોકલ’’ સહિત સંતુલિત પ્રાદેશિક વિકાસની નેમ રાખી છે.
આ નવી ટુરિઝમ પોલિસી 2021-25નો મુખ્ય હેતુ સસ્ટેનેબલ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો અને ગુજરાતને પ્રદૂષણરહિત પ્રવાસન સ્થળ બનાવવાનો છે.
આ નવી પ્રવાસન 2021-25ના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે.
|
આ પોલિસી હેઠળ વિવિધ પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે. ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ ગ્રામ્ય મેળાઓ યોજવા માટે, હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સનો વિકાસ કરવા માટે, MICE ઇવેન્ટ્સ માટે ગુજરાતને પસંદગીનું સ્થળ બનાવવા માટે, એડવેન્ચર ટુરિઝમ માટે યુવા પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે તેમ જ રાજ્યના વિવિધ નદી-સરોવર ક્ષેત્રોમાં રિવર ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે કેપિટલ સબસિડીઓ અને અન્ય નાણાકીય સહાયતાઓ જાહેર કરવામાં આવી છે.