ઉત્તરાયણની ઉજવણીની મંજૂરી બાદ પતંગ-દોરીનું ધૂમ વેચાણ

અમદાવાદઃ રાજ્યમાં ઉત્તરાયણ ઉજવણીને લઈને હાઈકોર્ટે મંજૂરી આપ્યા પછી ઉત્તરાયણ આવતાં પહેલાંના વીક-એન્ડમાં રાજ્યમાં પતંગબજારમાં ધૂમ ખરીદી નીકળી હતી. રાજ્ય સરકારે પણ ઉતરાણના તહેવાર મામલે ગાઇડલાઇન શુક્રવારકે જાહેર કરી દીધી છે. હાઇકોર્ટની મંજૂરી પછી પતંગ-દોરી ખરીદી માટે ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ઉત્તરાયણની ઉજવણી માટે રાયપુર, દિલ્હી દરવાજા અને ટંકશાળ સહિતના પતંગ બજારમાં લોકોએ મોટી સંખ્યામાં પતંગ-દોરીની ખરીદી કરી હતી. પતંગ-દોરીનું વેચાણ 40 ટકા વધ્યું હતું. શનિ-રવિમાં પતંગ શોખીનોએ 3.5 કરોડની પતંગ, એક કરોડની દોરી ખરીદી હતી. કોરોનાને કારણે મોટા ભાગના વેપારીએ આ વખતે સ્ટોક ઓછો ભર્યો હતો. પરંતુ ભારે ધસારાને કારણે મર્યાદિત સ્ટોક ખતમ થઈ જતાં કેટલાક વેપારીઓને તો દુકાન બંધ કરવી પડી હતી.

શહેરમાં હાલ રાત્રિ કરફ્યુ અમલમાં હોવાથી લોકોએ દિવસે ખરીદી માટે ધસારો કર્યો હતો. કોટ વિસ્તારના પતંગબજારો ઉપરાંત નારણપુરા, અખબારનગર, મેમનગર, સેટેલાઇટમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી.

સિઝનલ બજાર રાયપુરના પ્રમુખ દેવાંગ ચોકસીએ જણાવ્યું હતું કે દર વર્ષે આ દિવસોમાં સામાન્ય રીતે 70થી ટકા વધુ પતંગ-દોરીનું વેચાણ થાય છે. પણ કોરોનાને કારણે માત્ર 30થી 40 ટકા જ વેચાણ થયું છે. સાડાત્રણ કરોડ પતંગ અત્યાર સુધી વેચાયા છે. જેમાંથી બે કરોડ સ્થાનિક લેવલે બનાવાય હતા. જ્યારે દોઢ કરોડ બહારના રાજ્યમાંથી મંગાવાયા હતા.

ખંભાત, અમદાવાદ, નડિયાદ અને સુરતમાં પગંતનો ગૃહ ઉદ્યોગ એક લાખ લોકોને રોજગારી આપે છે, પતંગ ઉત્સવથી રોજગારી વધી રહી છે.