અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે જેના માટે તમામ રાજકીય પાર્ટીઓના આગેવાનો પોતાના નજીકના લોકો માટે ટિકિટ મેળવવાનાં સોગઠાં ગોઠવી રહ્યા છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ઉત્તર પ્રદેશનાં વર્તમાન રાજ્યપાલ આનંદીબહેન પટેલ પુત્રી અનાર પટેલને રાજકારણમાં લાવવાની તૈયારી કરી રહ્યાં છે. હાલમાં જ આનંદીબહેન પટેલે રાજ્યની મુલાકાત લીધી હતી.
બે મહિના પહેલાં પણ તેઓ ઉત્તર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેઓ એક જ દિવસ માટે મહેસાણા વિજાપુરના ખારોદ ગામમાં માતા-પિતાના ઘરે રોકાયાં હતાં, પરંતુ આ મુલાકાતોને આધારે માનવામાં આવી રહ્યું છે કે તેઓ દીકરી અનાર પટેલને આગામી ચૂંટણીમાં ઉતારવા પહેલાં વાસ્તવિકતા તપાસવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ ઉપરાંત તેઓ જ્યાં પણ જાય છે, ત્યાં તેઓ અનારને સાથે લઈને જાય છે.
રાજકીય વિશ્લેષકોના મતે ભાજપ માટે વિજાપુર, મહેસાણા, ઊંઝા અને પાટણની સીટો સુરક્ષિત માનવામાં આવે છે. રાજકીય ગલીઓમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભૂતપૂર્વ ગૃહરાજ્યપ્રધાન અને રાજ્યના મહા સચિવ રજની પટેલને મહેસાણા બેઠકથી નહીં ઉતારાય તો અનાર પટેલની પાસે મહેસાણા બેઠકથી ચૂંટણી લડવાની તક છે. જોકે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની પુત્રી અનાર માટે અનેક રાજકીય પડકારો પણ છે.