સુરતઃ રાજ્યમાં સ્થાનિક ચૂંટણીનાં પડઘમ આજે શાંત થશે ત્યારે ગુજરાત ઇલેક્શન વોચ અને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે સુરત નગર નિગમ ચૂંટણી-2021માં ચૂંટણી લડતા 484માંથી 452 ઉમેદવારોના ગુનાઇત, નાણાકીય અને સંપત્તિ સહિતની અન્ય માહિતીનું વિશ્લેષણ કર્યું છે. જોકે રિપોર્ટ બનાવતી વખતે કેટલાક ઉમેદવારોના શપથપત્ર સ્પષ્ટ ના હોવાને કારણે તેમનું વિશ્લેષણ નથી કરવામાં આવ્યું.
ગુનાઇત પૃષ્ઠભૂમિ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 452 ઉમેદવારોમાંથી 43 (10 ટકા) ઉમેદવારો પર ગુનાઇત કેસો જાહેર કર્યા છે, જેમાંથી 23 ઉમેદવારો (પાંચ ટકા)એ ગંભીર ગુનાઇત કેસો નોંધાયેલા જાહેર કર્યા છે. બે ઉમેદવારો પર હત્યાનો પ્રયાસ સંબંધિત કેસ જાહેર કર્યા છે.
પક્ષવાર જોઈએ તો ભાજપના 113માંથી સાત ( છ ટકા), કોંગ્રેસના 106માંથી 18 (17 ટકા), આપના 103માં આઠ (આઠ ટકા) RJCPના આઠમાંથી બે (25 ટકા) BSPના 26માંથી એક (ચાર ટકા) અને અન્ય 60માંથી પાંચ (આઠ ટકા) ઉમેદવારોએ ગુનાઇત કેસો જાહેર કર્યા છે. આ જ રીતે જે ગંભીર ગુનાઇત કેસો નોંધાયેલા છે, એમાં ભાજપમાંથી છ (પાંચ ટકા) કોંગ્રેસ 106માંથી સાત (સાત ટકા) આપના 103માંથી પાંચ (પાંચ ટકા) એનસીપીના 26માંથી બે (આઠ ટકા), RJCP આઠમાંથી બે (25 ટકા) અને 60માંથી એકનો સમાવેશ થયો છે.
નાણાકીય બેકગ્રાઉન્ડ
આ ચૂંટણીમાં કુલ 452 ઉમેદવારોમાંથી 81 ઉમેદવારો કરોડપતિ છે, જેમાં ભાજપના 113માંથી 50, કોંગ્રેસના 106માંથી 13 આપના 12 અને અન્ય 60માંથી ચાર ઉમેદવારો કરોડપતિ ઉમેદવાર છે. આ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 1.13 કરોડ છે, જેમાં ભાજપના ઉમેદવારની સરેરાશ સંપત્તિ રૂ. 3.08 કરોડ, કોંગ્રેસના ઉમેદવારની સંપત્તિ રૂ. 47.11 લાખ, એનસીપીના 26 ઉમેદવારોની સંપત્તિ રૂ. 55.09 લાખ, BSPના 26 ઉમેદવારની રૂ. 20 લાખ છે.
દેવાંની વિગત
આ ચૂંટણીમાં કુલ 452 ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવારોએ રૂ. 50 લાખ કે તેથી વધુનું દેવું જાહેર કર્યું છે, જેમાં ભાજપના બે અને કોંગ્રેસનો એક ઉમેદવાર સામેલ છે.
શૈક્ષણિક યોગ્યતા
કુલ 452 ઉમેદવારોમાંથી 302 (67 ટકા) ઉમેદવારો ધોરણ પાંચથી 12 પાસ હોવાનું જણાવ્યું છે, જ્યારે 103 (23 ટકા) ઉમેદવાર ગ્રેજ્યુએટ અને તેનાથી વધુનું શિક્ષણ લીધું છે. પાંચ ટકકા ઉમેદવારો અશિક્ષિત છે અને આઠ ટકા ઉમેદવાર ડિપ્લોમા છે.
આ કુલ ઉમેદવારો પૈકી 12 ટકા ઉમેદવારોની ઉંમર 21-24 વર્ષના છે, જ્યારે 25-50 વર્ષની વયના 359 (79 ટકા) ઉમેદવારો છે, જ્યારે 81 ટકા ઉમેદવારોની ઉંમર 51-70 વર્ષની છે.
આ 452 ઉમેદવારો પૈકી 200 (44 ટકા) મહિલા ઉમેદવારો છે.