ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગરમાં “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો” યોજવામાં આવ્યો છે. આ ટ્રેડ શોમાં વિશ્વના ૨૦ દેશોના અંદાજે 1000થી વધુ પ્રદર્શકો સહભાગી થયા છે. “એક્સપિરિયન્સ ગુજરાત” પેવેલિયનમાં રાજ્યની હસ્તકલા, ભાતીગળ સંસ્કૃતિ, પ્રવાસન સ્થળો અને ધરોહરની ઝાંખી રજૂ કરવામાં આવી છે. જ્યાં ગરવી ગુર્જરી, ગુજરાત ટુરિઝમ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યોજવામાં આવેલા પ્રદર્શન મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
૮ મંદિરોનાં દર્શન વર્ચ્યુઅલ રિયાલિટીથી
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ અંબાજી, પાવાગઢ, બહુચરાજી, દ્વારકા અને સોમનાથ સહિતનાં આઠ મંદિરોનાં દર્શન વર્ચ્યુઅલ રિયાલિટીથી કરવામાં આવી રહ્યા છે. મુલાકાતીઓ મંદિરમાં રૂબરૂ દર્શન કરતા હોય તેવો અનુભવ થતાં ધન્યતા અનુભવી રહ્યા છે. આ ઉપરાંત શ્રીરામ મંદિરની રેપ્લિકા થકી રામ મંદિરનાં દર્શન કરવાનો લહાવો મળી રહ્યો છે. અહીં યાત્રાધામોના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને જાણવાનો લહાવો મળી રહ્યો છે.
પ્રવાસન સ્થળોની મુલાકાત
ગુજરાત ટુરિઝમ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી, નડાબેટ, ગીર અભયારણ્ય, ધોળાવીરા અને ધોરડો સહિતનાં સ્થળોએ ભારે આકર્ષણ જમાવ્યું છે.અહીં આવતા મુલાકાતીઓને કચ્છના નખત્રાણાથી આવેલા કલાકારોએ કર્ણપ્રિય કચ્છી સંગીતથી ધ્યાન આકર્ષી મનોરંજન કર્યું હતું. મુલાકાતીઓ LED સ્ક્રીન અને વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા ગુજરાતના પ્રવાસન સ્થળોની રૂબરૂ થયા હતા.
હાથવણાટ, હેન્ડિક્રાફ્ટ અને બ્લોક પેઇન્ટિંગનું આકર્ષણ
ગરવી ગુર્જરી દ્વારા રાજ્યભરમાંથી હસ્તકલા સાથે સંકળાયેલા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડી સંખેડા, બિડવર્ક, ભુજોડી શાલ,માતાજી પછેડી, કચ્છની બાંધણી, પેથાપુર બ્લોક પ્રિન્ટિંગ સહિતના કારીગરો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે. દેશ-વિદેશના મુલાકાતીઓ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો, એમ ગરવી ગુર્જરીના ડિઝાઇનર રજની પરમારે જણાવ્યું હતું.