અમદાવાદઃ આજે રાતે 8.13 વાગ્યાના સુમારે ગુજરાતના અનેક ભાગોમાં ધરતીકંપનો તીવ્ર આંચકો લાગ્યો હતો.
અમદાવાદ, રાજકોટ, મોરબી, કચ્છ સહિત અનેક વિસ્તારોમાંથી લોકોએ એમણે ધરતીકંપના આંચકાનો અનુભવ કર્યાની સોશિયલ મિડિયા પર જાણ કરી હતી.
જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં પણ લોકોએ ધરતીકંપની તીવ્રતાનો અનુભવ કર્યો હતો.
ઘણા સ્થળે બહુમાળી મકાનોમાં રહેતા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી આવ્યા હતા.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા મુજબ, ધરતીકંપના આંચકાની તીવ્રતા 5.8 હતી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટ શહેરથી 122 કિ.મી. ઉત્તર-ઉત્તરપશ્ચિમ બાજુએ, કચ્છ જિલ્લાના ભચાઉ શહેરથી લગભગ 9 કિ.મી. દૂરના સ્થળે ધરતીની સપાટીથી 10 કિ.મી. ઊંડે હોવાનું માલૂમ પડ્યું હતું. ભૂકંપનો તે આંચકો ગુજરાતમાં અનેક સ્થળોએ લાગ્યો હતો.
ધરતી લગભગ ચારેક સેકંડ સુધી ધ્રૂજતી રહી હતી એવું અમુક લોકોનું કહેવું છે. સદ્દભાગ્યે ક્યાંય કોઈ જાનહાનિ થયાના કે મિલકતને નુકસાન થયાનો અહેવાલ નથી.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં આવેલા ભૂકંપના આંચકાઓને પગલે રાજકોટ કચ્છ અને પાટણ જીલ્લાના કલેકટરો સાથે રાતે ટેલિફોન તાત્કાલિક વાતચીત કરી હતી અને ત્યાંની પરિસ્થતિની જાણકારી મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાથી રાષ્ટ્રીય પાટનગર દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં 12 જેટલા ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે.
એક તરફ કોરોના વાઈરસના ફેલાવાથી બચવાને કારણે લોકોને એમના ઘરમાં જ રહેવાની સૂચના છે તેવામાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે.
2001ની 26 જાન્યુઆરીએ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલો ભયાનક ભૂકંપ 6.9ની તીવ્રતાનો હતો અને તે 100થી થોડીક વધારે સેકંડ સુધી ચાલ્યો હતો.