હાઇકોર્ટની ફટકાર પછી AMCએ કામગીરીનો અહેવાલ સોંપ્યો

અમદાવાદઃ હાઈકોર્ટની લાલ આંખ બાદ સરકારે રખડતા ઢોર અંગે પોલિસી બનાવી હતી. જે મુજબ અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા બે મહિના દરમિયાન બિસ્માર રસ્તા, રખડતા ઢોર, પાર્કિગની સમસ્યાના ઉકેલ માટે કરેલી કામગીરીને સાંકળતો અહેવાલ રજૂ કર્યો હતો.

હાઇકોર્ટે છેલ્લી સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારને 10 દિવસનો સમય આપ્યો હતો, ત્યાર બાદ આવતી કાલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાય એ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલી કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં મૂકવામાં આવ્યો છે. બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને પાર્કિંગની સમસ્યા મામલે AMCના એક્શન ટેકન રિપોર્ટમાં છેલ્લા બે મહિનામાં કરેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં છેલ્લા બે મહિનામાં 4671 રખડતા ઢોર પકડવામાં આવ્યા હતાં અને પશુમાલિકો સાથે રૂ. 34 લાખથી વધુની પેનલ્ટી એટલે કે દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાની જાણ કોર્ટને કરવામાં આવી છે. આ ઉપરાંત 198 જેટલી FIR પણ નોંધવામાં આવી હોવાની માહિતી કોર્ટમાં મૂકવામાં આવી છે.

આ સાથે શહેરમાં 3892 પશુઓના RFID ટેગિંગની કામગીરી કરવામાં આવી છે. બિસ્માર રોડ મામલે સાત ઝોન અને રોડ પ્રોજેક્ટ બ્રિજ માટે છેલ્લા બે મહિનામાં 29,390થી વધુ મેટ્રિક ટન હોટ મિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.. માઇક્રો સર્ફેસિંગની કામગીરીમાં છેલ્લા બે મહિનામાં 1096 મેટ્રિક ટનથી વધુની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત જાહેર રોડ પર હોય અને ટ્રાફિકને અડચણ કરતી હોય તેમાં સાત ઝોનમાં 3340 લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા છે અને 11,314 ગેરકાયદે બોર્ડ અને હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યાં છે.

આ સાથે જાહેર રસ્તા ઉપર ગેરકાયદે પાર્ક થયેલાં 794 વાહનો ટોઈંગ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત અન્ય નાનાં-મોટાં 18686 દબાણ દૂર કરવામાં આવ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વેશનમાં આવેલા 1241 દબાણો દૂર કરાયા હોવાની માહિતી પણ કોર્ટને આપવામાં આવી છે. જેમાં વહીવટી ખર્ચ પેટે રૂ. 64.75 લાખથી વધુની રકમનો દંડ કરવામાં આવ્યો છે.