રાજ્યમાં નવ નિયુક્ત ૪,૧૫૯ યુવા કર્મીઓને નિમણૂક પત્ર એનાયત

રાજ્યમાં ૩,૦૧૪ તલાટી કમ મંત્રી સહિત ૪,૧૫૯ નવ નિયુક્ત યુવા કર્મીઓને CMના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરવાનો સમારોહ સોમવારે ગાંધીનગરમાં યોજાયો હતો. જ્યાં નાનામાં નાના-છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પના સંવાહક બનવા નવનિયુક્ત પંચાયત કર્મીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે “ નવ નિયુક્ત યુવા કર્મીઓ ગુડ ગવર્નન્સમાં ગુજરાતની અગ્રેસરતા તમારા સેવા ભાવથી વધુ ઉજાગર કરે, યોજનાઓનો ૧૦૦ ટકા લાભાર્થીઓને લાભ પહોંચાડી સેચ્યુરેશન પોઇન્ટ પાર પહોંચાડે, ૨૦૪૭ના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતથી રાષ્ટ્ર નિર્માણ યાત્રાના સહયોગી બને તેવી આશા છે.”

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, GPSC તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામેલા ૩,૦૧૪ તલાટી કમ મંત્રી, ૯૯૮ જુનિયર ક્લાર્ક, ૭૨ નાયબ સેક્શન ઓફિસર, ૫૮ અંગ્રેજી સ્ટેનોગ્રાફર તથા ૧૭ હવાલદાર મળીને ૪,૧૫૯ નવ યુવાઓને સરકારી સેવામાં નિમણૂકના પત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં એનાયત કરાયા હતા.

મુખ્યમંત્રીએ કાર્યક્રમને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય, શિક્ષણ સહિત સમાજ કલ્યાણની દરેક યોજનાઓથી છેવાડાના માનવી અને જરૂરતમંદ લોકોને ૧૦૦ ટકા આવરી લેવાનાં આપેલા સેચ્યુરેશન પોઇન્ટના લક્ષ્યાંકને પાર પાડવાનું સેવા દાયિત્વ આ નવ યુવા કર્મીઓએ નિભાવવાનું છે. સરકારી નોકરી, પદ કે હોદ્દાને માત્ર આર્થિક લાભ કે આધાર તરીકે જોવાને બદલે જન સેવાની મળેલી તક તરીકે સ્વીકારીને કાર્યરત રહેવાથી અન્યનું ભલું કરવાનો, સારું કરવાનો ભાવ આપોઆપ ઉજાગર થશે.