અંબાલાલ પટેલે કરી આગાહી, નવરાત્રિમાં પડી શકે છે વરસાદ

સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનો માહોલ બરાબર જામ્યો છે. ખેલૈયાઓ મનમુકીને ગરબે ઝૂમી રહ્યા છે. ત્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રિમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. જો વરસાદ પડશે તો ખેલૈયાની મજા બગડશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી 12 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી.

હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. તો બીજી બાજુ ભારે વરસાદની કોઈ આગાહી નથી. પરંતુ જે પ્રમાણે ગુજરાતમાં પવનો શરૂ થઈ ગયા છે જેના કારણે થોડીક ઠંડકનો અનુભવ થઈ શકે છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં વરસાદ અને તાપમાન અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલે જણાવ્યું છે કે, 12 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12થી 18 ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે.

વધુમાં અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, 12 ઓક્ટોબર સુધી હવામાનમાં મોટો પલટો આવશે અને ગુજરાતના કોઈ કોઈ ભાગમાં હળવો વરસાદ થશે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં બનતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. તો જો આ આગાહી સાચી પડે તો ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાની શક્યતા નકારી ન શકાય.