અમરનાથ યાત્રાઃ આ વર્ષના નિયમ જાહેર, સાવચેતી વધારાઇ

અમદાવાદ- અમરનાથ શિવલિંગના દર્શને જતાં યાત્રાળુઓ માટે અમરનાથ શ્રાઇન બોર્ડ તરફથી અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં અમરનાથ યાત્રાના ટૂર ઓપરેટર્સ, ડ્રાઇવર અને યાત્રાળુઓ માટે પાલનકર્તા નિયમોની માહિતી આપવામાં આવી છે.ગુજરાતમાંથી ઘણી મોટી સંખ્યામાં દર વર્ષે શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રામાં દર્શનાર્થે જાય છે. ગતવર્ષે અમરનાથયાત્રીઓની બસ પર થયેલાં આતંકી હુમલાને લઇને આ વર્ષે યાત્રાળુઓની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં જરુરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.

અમરનાથ યાત્રાની સ્પેશિયલ પરમીટ માટે ટૂર ઓપરેટરોએ તથા ઓલ ઇન્ડિયા પરમીટ ધરાવતા ઓપરેટરોએ એડવાન્સમાં અમરનાથ યાત્રા બોર્ડ માટેના યાત્રાળુઓના રજિસ્ટ્રેશનની યાદી તેમના માન્ય રજિસ્ટ્રેશન ફોર્મ સાથે સંબંધિત આરટીઓને રજૂ કરવાનું રહેશે, ત્યારબાદ જ જે તે ટૂર ઓપરેટરને યાત્રા માટે પરવાનગી આપવામાં આવશે.

અમરનાથ યાત્રામાં ડ્રાઇવર તરીકે જોડાનાર શારીરિક રીતે તંદુરસ્ત હોવા જોઇએ અને તેમની ઉંમર ૫૦ વર્ષથી વધારે ન હોવી જોઇએ. ડ્રાઇવરે શારીરિક યોગ્યતા માટે ડોક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ડ્રાઇવરે જમ્મુ-કાશ્મીર અને સરકારે નક્કી કરેલા route, convoy, secutiry અને time મુજબ જ વાહન ચલાવવાનું રહેશે. ડ્રાઇવર કોઇપણ સંજોગોમાં જમ્મુ-કાશ્મીર એડમિનિસ્ટ્રેશન દ્વારા નક્કી કરવામાં આવેલ સ્ટાન્ડર્ડ, ઓપરેશન પ્રોસીજર (sop) ની વિરુદ્ધમાં કોઇ વર્તનવ્યવહાર કરશે નહી. વાહનને ત્યાંની સરકારે નિયત કરેલ જગ્યા ઉપર જ રોકાણ કરવાનું રહેશે.

વધુમાં વાહનના લોકેશન મળી રહે તે માટે GPS vehicle locator બસમાં ફીટ કરેલું જરૂરી હોવું જોઇએ. ઇમરજન્સી ઉપસ્થિત થાય ત્યારે યાત્રાળુઓ કે ડ્રાઇવર કે વાહનમાલિક ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના કન્ટ્રોલ રૂમના નંબર (૦૭૯) ૨૩૨૫૧૯૦૩, ૨૩૨૫૧૯૦૦ તથા તોલ ફ્રી નંબર (૦૭૯) ૧૦૭૦ તથા ફેક્સ નંબર(૦૭૯) ૨૩૨૫૧૬૧૨ અને ૨૩૨૫૧૬૧૬ દ્વારા ગુજરાત સરકારમાં સંપર્ક કરી શકશે.  આ તમામ નંબરો બસમાં પણ ડીસપ્લે કરવાના રહેશે.

યાત્રીઓએ પરમિટની સાથે પોતાનું ઓળખકાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ રાખવું જરૂરી છે. અન્ય રાજ્યોના પ્રિપેઇડ સીમકાર્ડ જમ્મુ કાશ્મીર અને યાત્રા ક્ષેત્રમાં કામ કરશે નહીં જેથી યાત્રીઓ બેઝ કેમ્પમાં પૂર્વ સીમકાર્ડ ખરીદી તેનો ઉપયોગ કરવાનો રહેશે. કોઇપણ પ્રકારની સહાયતા માટે નજીકના યાત્રા નિયંત્રણ ખંડના એસએબીએસ કેમ્પ ડીરેક્ટરનો સંપર્ક કરવાનો રહેશે.  આ અંગે વધુ માહિતી www.shriamarnathjishrine.com પરથી મેળવી શકાશે.