જૂનાગઢ- આણંદની કૃષિ યુનિવર્સિટીના ડેરી સાયન્સ વિભાગના તજજ્ઞોએ પોષણના તત્વોને ધ્યાનમાં રાખીને વેસ્ટમાંથી બેસ્ટ અને બધા જ પરિવારોને આર્થિક રીતે પરવડે તેવી ગુણકારી અને સ્વાદિષ્ટ આઇટમ પર સંશોધન કરીને વેરાયટી બહાર પાડી છે. આ ખાદ્ય વેરાયટીને માન્યતા મળતાં હવે બજારમાં આ નવી વેરાયટી જોવા મળશે.સરગવો ખુબ જ ગુણકારી છે પરંતુ કેટલાક બાળકોને તેનો સ્વાદ ગમતો નથી, આ બાબતને ધ્યાનમાં રાખીને ડેરી તજજ્ઞોએ દૂધ મિશ્રિત તેની લસ્સી બનાવી છે. તેમાં સૌથી વધું વિટામીનનો સંગ્રહ છે. જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે વિવિધ સંશોધન અને જાતો તેમજ ડેરી પ્રોડકટને માન્યતા આપવાના સેમીનારમાં આણંદની કૃષિ યુનિ.ની ડેરી આઇટમ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સરગવાની લસ્સીના સર્વેના પણ સારા રિવ્યુ આવ્યા હતા.ડેરી સાયન્સ વિભાગના ચેતનભાઇ ધારૈયાએ જણાવ્યું હતું કે, સરગવાની લસ્સી ઉપરાંત ગાજર અને આમળાના બીસ્કીટ પણ નવી આઇટમ તરીકે મુકવામાં આવી છે. ગાજર અને આમળામાંથી રસ નિકળ્યા પછી લોકો તેના છોલને ફેંકી દે છે. આ છોલમાં ઘણા શરીર માટે ઉપયોગી તત્વો અને મીનરલ જોવા મળતા. તેમાંથી બેસ્ટ બિસ્કીટ બનાવવાનો પ્રયોગ સફળ બન્યો છે. મેંદાના બિસ્કીટની સરખામણીએ આ બિસ્કીટ ખુબજ સ્વાદિષ્ટ છે એટલુ જ નહીં ગુણકારી પણ છે. ડાયાબીટીસના દર્દીઓ ખાઇ શકે તેવા સુગર ફ્રી બિસ્કીટ પણ બનશે. આ બિસ્કીટના પેકેટ આજે પ્રદશર્નમાં ખુબ જ આકર્ષિત રહયા હતા.દુધની આઇટમ બનાવતી વખતે કે પનીર, શિખંડ કે પેંડા બનાવતી વખતે દૂધ ફાટે ત્યારે જે પ્રવાહી છુટુ પડે છે તે વેસ્ટમાં જાય છે, પરંતુ તેનું લેબ પરિક્ષણ કરતા તેમાં પોક્ષષણયુકત તત્વો ખુબ જ છે તેવું પ્રતિપાદિત થતા નિષ્ણાંતોએ તેમાં લીંબુ અને આદુની ફેવર અને સુગર મિશ્રિત કરીને સૌથી સ્વાદિષ્ટ જયુસ બનાવ્યું છે. આ જયુસના પણ સારા રિવ્યુ આવતા આ આઇટમને માન્યતા આપવામાં આવી છે. આ બધી જ આઇટમનો પ્રોડકશન ખર્ચ ખુબ જ ઓછો છે અને ખેડૂતો કે તેના સંતાનો સ્વરોજગારી મેળવી મુ્લ્યવર્ધિત ખેતી સાથે આ નવો વ્યવસાય કરી શકે તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.