અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારના માર્ગો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ હટાવવાની ગાડી સતત ફરતી જોવા મળી. શુક્રવારની સવારથી જ લારી-ગલ્લાં, ખૂમચાં, ગેરકાયદે જાહેરાતનાં પાટિયાં, શેડ દબાણ હટાવવાની ગાડીઓના કર્મચારીઓ દ્વારા દૂર કરવામાં આવ્યાં હતાં. દબાણ દૂર કરતી ગાડીઓના કર્મચારીઓએ રસ્તા પર બસ સ્ટેન્ડ પર અડ્ડો જમાવીને બેઠેલા, રહેણાક બનાવી આરામ ફરમાવતા લોકોનાં કપડાં પણ તાણીને લઈ ગયા હતા. બસ સ્ટેન્ડ, ફૂટપાથ, ડિવાઇડર, રેલિંગ અને મહાનુભાવો નામની તકતીઓ પર સુકવવામાં આવેલા કપડાં પણ દૂર કરી દેવામાં આવ્યાં હતાં.
દબાણ હટાવવાની કામગીરી કરતાં એક કર્મચારી એ ચિત્રલેખા.કોમને કહ્યું હતું કે આ પ્રકારની કામગીરી એકદમ ઝડપી બનાવવામાં આવી રહી છે. ચાલવાની ફૂટપાથોને ધંધા માટે ઉપયોગમાં લેવા-દેવામાં આવશે નહીં. આ ઉપરાંત ફૂટપાથ પર અડ્ડો જમાવી રહેતા લોકોને પણ ખસેડવામાં આવશે, કારણ કે તંત્ર દ્વારા હવે ઘરવિહોણા લોકો માટે ‘શેલ્ટર હોમ’ તૈયાર કરી દેવામાં આવ્યાં છે.
અમદાવાદના શાસ્ત્રીનગર, અંકુર રોડ નારણપુરા, ઉસ્માનપુરા અને સી.જી. રોડ પર સતત દબાણ હટાવવાની ગાડી ફરીને કામગીરી કરી રહી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ)
