ગણપત યુનિવર્સિટી ખાતે દેશભરના શિક્ષકો શિક્ષણ અંગે ચર્ચા કરશે

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ૭માં ત્રિદિવસીય અધિવેશનનો ગણપત યુનિવર્સિટીમાં પ્રારંભ કરવામાં આવ્યો. ૧૯૮૮ થી પ્રગટેલી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના યજ્ઞની જ્યોતને પ્રજ્વલીત કરવા માટે દર ત્રણ વર્ષે રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવે છે. આ વર્ષે ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે ૦૮ નવેમ્બરથી ૧૦ નવેમ્બર દરમ્યાન આ અધિવેશન યોજાઇ રહ્યું છે. રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર રાષ્ટ્રભરના શિક્ષકો ઉપસ્થિત રહી શિક્ષણ માટે ચિંતન અને મંથન કરશે.

 

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આપણી માન્યતા, સાંસ્કૃતિક ધરોહર અને દેશની આવશ્યકતાના આધાર પર પ્રાથમિકથી લઇને ઉચ્ચ શિક્ષા પ્રણાલિથી જ રાષ્ટ્રનિર્માણ માટે સજ્જ થઇ શકાશે. દેશ હવે બદલાઇ રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે. આવનારા પડકારોનો સામનો કરવા માટે રાષ્ટ્રવાદ રાષ્ટ્રનિર્માણ ભાવ જગાવી આ દેશનું નેતૃત્વ જનજનમાં સામર્થ્ય ઊજાગર કરી રહ્યું છે.

રૂપાણીએ શિક્ષા અને સંસ્કાર એકબીજા સાથે જોડાયેલા છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં કહ્યું કે, શિક્ષા-દિક્ષા આપણી પરંપરા છે. માત્ર શિક્ષિત નહિ, દિક્ષીત પેઢી, રાષ્ટ્રચેતના સભર પેઢી જે દેશ માટે જીવી જાણે દેશ માટે મરી જાણે તેવી પેઢીનું નિર્માણ કરવામાં શૈક્ષિક મહાસંઘના આવા સફળ પ્રયાસો ‘‘રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ’’  છે. દેશમાં કેટલાય વર્ષો પછી શિક્ષણ નીતિનું ઘડતર થઇ રહ્યું છે. આજ સુધી શિક્ષણ નીતિના અભાવે શિક્ષણની દિશા નક્કી ન હતી. હવે બધા સાથે મળીને વિચાર-વિમર્શ, મંથન-ચિંતન કરી વિદ્યાર્થીને કેન્દ્રસ્થાને રાખીને સહિ લક્ષ્ય-સહિ દિશામાં કાર્યરત થયા છે. રૂપાણીએ આ ત્રિદિવસીય મહાઅધિવેશનમાં થનારૂં ચિંતન-મનન, આપસી વૈચારિક આદાન-પ્રદાન સમગ્ર દેશની શિક્ષણ પધ્ધતિ માટે ઉપયોગી બનશે એમ પણ અધિવેશનને સફળતાની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું.

આ અવસરે વિવિધ ત્રણ પ્રકાશનનું વિમોચન કરવામં આવ્યું હતું. ડો. કલ્પના પાંડે દ્વારા લેખિત ‘‘નારી ભારતીય દષ્ટી અને ભવિષ્ય વિષય’’ પર પ્રમુખ લેખોનું સંકલન ‘‘ભારતીય સંગીતમાં શિક્ષા અને સ્વાસ્થય’’ની પત્રિકા અને રાજસ્થાન ક્ષેત્રના સંઘચાલક ભગવતી પ્રસાદ લેખિત ‘‘પર્યાવરણ સંકટ જીવસુષ્ટી અને જનજીવન’’ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું.

એ.બી.આર.એસ.ના અધ્યક્ષ જે.પી.સીંધલએ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, શિક્ષકોનું આ સંગઠન રાષ્ટ્રહિતમાં શિક્ષા, શિક્ષાના હિતમાં શિક્ષક અને શિક્ષકના હિતમાં સમાજને લઇને આગળ ચાલી રહ્યું છે. સમાજમાં પરિવર્તન શિક્ષક થકી શકય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ સંગઠન દેશના હિતમાં કતર્વ્ય પરાયણ કરનારનું સૌથી મોટું સંગઠન છે. શિક્ષકો માત્ર વિષય પુરતા જ નહિ, સમાજના શિક્ષકો બને તે માટે ઉપસ્થિત શિક્ષક સમુદાયને તેમણે અપીલ કરી હતી.

ગણપત યુનિવર્સિટીના અધ્યક્ષ ગણપતભાઇ પટેલે જણાવ્યું હતુ કે આ વિશ્વ વિધાલયમાં દેશભરના ગુરૂઓના આગમન થકી આજે ભુમિ પવિત્ર બની છે. ગુરૂના આશિર્વાદથી બાળકના ભવિષ્યનું નિર્માણ થાય છે. તેમણે દેશભરના શિક્ષકોને યુનિવર્સિટીને આંગણે આવકાર્યા હતા.