અયોધ્યા કેસઃ અફવા ફેલાવનારાઓને યોગી આદિત્યનાથની ચેતવણી

નવી દિલ્હી: અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો થોડા દિવસોમાં અપેક્ષિત છે. આ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારો સુરક્ષાની સમીક્ષા કરી રહી છે. ઉત્તરપ્રદેશમાં મહત્તમ તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસવડાએ અનેક જિલ્લાઓમાં સુરક્ષા બંદોબસ્તનો દાવો કર્યો છે.

આ સાથે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પણ ઉત્તરપ્રદેશના ચીફ સેક્રેટરી અને ડીજીપીને મળશે. આ સાથે ઉત્તર પ્રદેશની યોગી સરકારે પણ અનેક માર્ગદર્શિકા બહાર પાડી છે. પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી અને દરેક જિલ્લામાં 24 કલાક માટે વિશેષ કંટ્રોલરૂમ ખોલવાનો આદેશ આપી દીધો છે. તેમણે લખનૌ અને અયોધ્યામાં એક એક હેલિકોપ્ટર કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે તૈયાર રાખવા પણ જણાવી દીધું છે.

સીએમ યોગી દ્વારા અપાયેલી 10 સૂચનાઓ

1-બધાં ધાર્મિક સ્થળોનું રક્ષણ થવું જોઈએ.

2-તમામ મહત્વપૂર્ણ ધાર્મિક નેતાઓને વિશ્વાસમાં લેવા જોઈએ અને તેઓને અપીલ કરી હતી કે તેઓ સમાજના લોકોને સુમેળ જાળવવા માટે કહે.

3- જિલ્લાકક્ષાએ મીડિયા સાથે વાત કર્યા પછી, તેમને કહેવામાં આવે કે સમાચારને સનસનાટીભર્યા બનાવવાથી બચે.

4- સમાજમાં દરજ્જો ધરાવતાં દરેક વ્યક્તિ સાથે વાત કરો. જેમાં ધર્મગુરુઓ, વકીલો, વિદ્યાર્થી નેતાઓ, ઉદ્યોગપતિઓ અને અન્ય શામેલ હોઈ શકે છે.

5- જ્યારે ચૂકાદો આવે, ત્યારે કોઈએ ઉજવણી કરવી જોઈએ નહીં કે વિરોધ કરવો જોઈએ નહીં.

6- સોશિયલ મીડિયા પર ખૂબ નજર રાખવી જોઈએ જેથી કોઈ અફવાઓ અને દ્વેષ ફેલાવી ન શકે.

7- સોશિયલ મીડિયા પર દ્વેષ ફેલાવનારા સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ.

8- પોલીસ અને પ્રશાસનના તમામ વરિષ્ઠ અધિકારીઓએ પોતે મેદાનમાં હાજર રહેવું જોઈએ.

9- પોલીસ બધે પગપાળા પેટ્રોલિંગ કરતી જોવા મળવી જોઇએ.

10-ફૂટપાથ પર રહેતાં બેઘર લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવા જોઈએ અને તેઓનું રક્ષણ થવું જોઈએ.