આપણે નિસ્વાર્થી ભાવે સેવા આપતા લોકોને તો જોયા જ હશે, પણ શું નિસ્વાર્થ ભાવે પોતાનો જીવ જોખમમાં નાખી બીજાનો જીવ બચાવતા લોકોને જોયા છે?
હા, એમને જોવા હોય તો મળો, આ આકાશ દંતાણીને.
મુળ અમદાવાદના લકડીયા બ્રીજ પાસે રહેનાર આકાશ દંતાણી પાછલા 12-13 વર્ષથી લોકોના જીવ બચાવવાનું કામ કરે છે. જીવની સાથે એ લોકોની કિંમતી વસ્તુઓ પણ બચાવવાનું કાર્ય કરે છે. અત્યાર સુધીમાં અમદાવાદની સાબરમતી નદીમાં ડૂબી રહેલા 200 થી વધુ લોકોના જીવ બચાવી ચૂક્યા છે. અનેક કિસ્સાઓમાં એમણે અમદાવાદ પોલીસની સાથે રહીને તપાસમાં મદદ પણ કરી છે. આ ઉપરાંત સેન્ટ્રલ એજન્સીનો કેસ હોય કે પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો અનડિટેક્ટ કેસ, જ્યારે પણ કોઈપણ કેસની તપાસ સાબરમતી નદી સુધી પહોંચે ત્યારે સૌથી પહેલા આકાશનું નામ યાદ આવે છે.
આકાશ દંતાણીએ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું કે “ હું મારા પરિવાર સાથે અહીં રિવરફ્રન્ટ પર આવેલા લકડિયા બ્રિજ પાસે રહું છું. જ્યારે આજ માટે હું નાનો હતો ત્યારે લોકોની નાની મોટી વસ્તુ સાબરમતીમાંથી કાઢી આપતો હતો. જે બાદ ધીમે ધીમે હું લોકાના જીવ બચાવતો પણ થઈ ગયો. મારા નંબરના રીવરફ્રન્ટ પર બોર્ડ મારવામાં આવ્યા છે. જેથી કોઈપણને મારી જરૂર પડે ત્યારે તેઓ મને ફોન કરે તો હું મદદ માટે પહોંચી જાઉં છું”
પરિવારમાં બે ભાઈ, પત્નિ અને એક પુત્ર સાથે રહેતા આકાશભાઇ નાનું મોટુ કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. ધીમે ધીમે આકાશભાઈ એટલા જાણીતા બની ગયા કે એમની આ સેવા માત્ર સામાન્ય માણસ સુધી સિમીત ન રહી. એ કહે છે, “હું સામાન્ય લોકો સાથે પોલીસ કર્મચારીઓની પણ મદદરૂપ બનું છું. જ્યારે પોલીસ સ્ટેશનમાં એવા કેસ આવે કે જેના સુરાગ સાબરમતીમાંથી મળી શકે એમ હોય ત્યારે પોલીસ મને ફોન કરે છે. હું પોલીસની મદદ કરવા માટે રાજી ખુશીથી જાઉં છું.”
સમાજસેવાને કેમ ન બનાવ્યો રોજગાર?
આકાશ કહે છે, “મેં અગાઉ એક વખતા પોલસી કર્મચારીને મારી ભલામણ કરી હતી. હું ભણેલો નથી જેથી મારી પાસે સારો રોજગારી નથી, જો સરકાર મને આજ કામ માટે નોકરી પર રાખી લે, તો મારા માટે સારું થાય. એ જ માટે મે અરજી પણ લખીને પોલીસને આપી છે. પણ મને હાલ સુધી નોકરીની તક મળી નથી.”
સામાન્ય લોકોનો સુપરહીરો
આકાશ કહે છે, “મેં હાલ સુધીમાં લગભગ 200 જેટલા લોકોના જીવ ડૂબતા બચાવ્યા છે. મને આ કામના કોઈ પણ રૂપિયા મળતા નથી, પણ જો કોઈ પણ મને રાજીખુશીથી થોડા રૂપિયા આપે તો એ હું સ્વીકારી લઉં છું.”