અમદાવાદ: આજે શહેરના બોપલ-આંબલી રોડ પર ઓડીના કારચાલકે પાંચથી સાત વાહનોને હડફેટે લીધા હતા. રીપલ પંચાલ નામનો યુવક નસામાં ધૂત થઈ ઘણા વાહનોને હડફેટે લીધા હતા. અકસ્માત બાદ પણ ગાડીમાં બેસી સીગ્રેટ પણ પીધી હતી. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી દીધી છે. તેના બ્લડના નમૂના લઇને લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ અંગે રીપલ પંચાલની પત્નીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
તો બીજી તરફ અકસ્માત સર્જનાર રીપલ પંચાલની પત્નીનું નિવેદન સામે આવ્યું છે કે રીપલ માનસિક તણાવમાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લા એક દોઢ વર્ષનથી રીપલની સારવાર પણ ચાલી રહી છે. કદાચ તેણે સવારે દવા લીધી હશે તેની એકદમ અસર થઇ હશે તેના કારણે આ ઘટના સર્જાઇ હોવાનું મને લાગી રહ્યું છે. જેમને ઇજા પહોંચી છે તેઓ ઝડપથી સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.’ ઉલ્લેખનીય છે કે રીપલની પત્નીએ એ પણ સ્વીકાર્યું છે કે ‘રીપલ દારૂનું સેવન કરે છે. પરંતુ જ્યારે આ ઘટના સર્જાઇ હતી ત્યારે તેણે નશો ન કર્યો હોવાનું લાગી રહ્યું છે કારણ કે તેના મોંઢામાં કોઇ વાસ આવતી ન હતી.’
અકસ્માતની ઘટના બાદ ટ્રાફિક પોલીસ ACP ડી.એસ. પુનડિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે ‘આરોપી રીપલ પંચાલનું લાઇસન્સ રદ કરવા માટે રિપોર્ટ કરવામાં આવશે. હાલ તેના લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે તેણે આલ્કોહોલ કે અન્ય કોઇ પ્રકારના નશાનું સેવન કર્યું હતું. આરોપી રીપલ પંચાલ અગાઉ પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ચૂક્યો છે, અગાઉ કરેલા અકસ્માતોની તપાસ ચાલુ છે.’
રીપલ પંચાલ પહેલાંથી જ નશાની કુટેવ ધરાવે રહ્યો છે. 16 નવેમ્બર 2024ના રોજ સાંજના 6:30 વાગે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે લાલ કલરની જીપ કમ્પાસ ગાડી સર્પાકાર રીતે હંકારતાં જોઇ હતી. જેથી પોલીસે તેને ઉભી રાખી રાખી પૂછપરછ કરતાં તેના મોટામાંથી કેફી પીણાની તીવ્ર વાસ આવતી હતી. આ દરમિયાન પોલીસે તેની પાસે દારૂની પરમિટ માંગી હતી, જે રીપલે નહીં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેના વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ 66 (1) બી અને એમ.વી. એક્ટ કલમ 185 અંતગર્ત ફરિયાદ દાખલ કરી હતી.