અંધકારને પેલે પાર! નેત્રહીનની વ્યાથા સમજાવે છે આ મ્યુઝિયમ

આજે પ્રથમ મૂક બધિર અને દ્રષ્ટિહીન વ્યક્તિ હેલન કેરલનો જન્મદિવસ છે. ત્યારે વાત કરીએ અમદાવાદના અંધજન મંડળના પ્રાંગણમાં આવેલા ‘વિઝન ઇન ધ ડાર્ક’ રૂમની. જ્યાં પ્રજ્ઞાચક્ષુઓની વ્યાથા સમજાવતું એક આખું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. ઉપરાંત હેલન કેરલની પ્રતિમા સાથે એમની જુદી-જુદી તસવીરોનું પણ અનોખું કલેક્શન છે.

નેત્રહીન વ્યક્તિને જ્યારે પણ જોઈએ ત્યારે એવો વિચાર આવે કે તે કેવી રીતે પોતાના કાર્ય કરતા હશે? એમને રોજ કેવી સમસ્યાનો સામનો કરવો પડતો હશે? તો આનો જવાબ મળે છે અંધજન મંડળના વિઝન ઇન ધ ડાર્ક રૂમમાં. 2015માં શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટ હાલમાં પણ કાર્યરત છે.

અંધકાર જીવનનો કેટલો મહત્વનો ભાગ છે એ અહીં આવ્યા પછી સમજાય છે. આ ડાર્ક રૂમમાં જુદા-જુદા વિભાગો બનાવવામાં આવ્યા છે. જ્યાં પ્રવેશ કર્યા પછી જીવનનો નજરીયો બદલાઈ જાય છે. અંદર પ્રવેશ કરતા જ દેવી દેવતાઓની મૂર્તિ, રાજકીય નેતાઓ અને ધર્મગુરૂઓની મૂર્તિ મૂકવામાં આવી છે. જેને અંધારામાં માત્ર હાથના સ્પર્શ કરી ઓળખ કરવાની હોય છે.

અંધજન મંડળના જનરલ સેક્રેટરી ડો. ભૂષણ પૂનાની ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, અંધજન લોકોની દિનચર્યાને સામાન્ય લોકો માટે સમજવું ઘણું મુશ્કેલ ભર્યું છે. આ મ્યુઝિયમની મુલાકાત કર્યા પછી નેત્રહીન વ્યક્તિ પ્રત્યે લોકોની આત્મીયતા કેળવાય છે.

અહી લોકોને ગાઈડ કરતા જયદેવભાઈ પણ નેત્રહીન જ છે. ચિત્રલેખા.કોમને કહે છે, અહીં આઠથી નવ એક્ટિવિટીઝ છે. ડાર્ક મ્યુઝિયમમાં સામાન્ય વ્યક્તિના રોજિંદા જીવનમાં ઉપયોગી એવું મંદિર, રેસ્ટોરાં, ધર, ગાય, જૂના વાસણો, ચબૂતરો, કૂવો, થિયેટર સહિતના અનેક મોડલ મૂકવામાં આવ્યા છે. તેને સ્પર્શ કરીને એનો અનુભવ કરવાનો હોય છે. આ મ્યુઝિયમમાં આવ્યા પછી દરેક પ્રજ્ઞાચક્ષુને જોવાનો નજરીયો બદલાય જાય છે.

 

ઉલ્લેખનીય છે કે આ મ્યુઝિયમમાં રોજ અંદાજે 50થી 200 લોકો મુલાકાત કરે છે. સામાન્ય વ્યક્તિ માટે માત્ર 50 રૂપિયા ટિકિટ છે. જ્યારે શાળાના વિદ્યાર્થીઓ માટે 10 રૂપિયાની ટિકિટ છે. નેત્રહીન લોકોની મુશ્કેલી સમજવા માટે આ મ્યુઝિયમની એકવાર મુલાકાત કરવા જેવી ખરી.