અમદાવાદ: એક તરફ કોરોના વાઈરસના કેસ વધતા જાય છે. બીજી તરફ ગરમીનો પારો પણ સતત વધતો જાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ જરુરીયાત વાળા લોકોને ભોજન કરાવવાનું સેવાભાવી લોકો ચૂકતા નથી. અમદાવાદ શહેરમાં ઘણાં બધાં લોકો કોરોનાના આ કાળમાં લોકડાઉનની શરૂઆતથી જ શ્રમિકો અને જરૂરિયાત વાળા લોકોને સીધુ સામાન તેમજ ભોજન પુરુ પાડે છે.
શહેરના પશ્ચિમ વિસ્તારના ગોતા વૉર્ડ, એસ જી હાઈવે પર એક રેસ્ટોરાં-પાર્ટી પ્લોટમાં લોકડાઉનની શરૂઆત થી જ ૧૨૦૦ થી ૧૫૦૦ માણસો ને ભરપેટ જમાડવામાં આવે છે. ભૂખ્યાની જઠરાગ્નિ ઠારવા ના આ સેવાયજ્ઞ ના એક સંચાલક દિનેશ ભાઈ દેસાઈ ચિત્રલેખા.કોમને કહે છે એસ જી હાઈવેને અડીને આવેલા ગોતા વિસ્તારમાં ઔદ્યોગિક વિસ્તાર પણ છે જેથી મોટી સંખ્યામાં શ્રમિકો વસે છે. કોરોના ના કારણે ઘણાં શ્રમિકો અને સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબોની હાલત કફોડી થઈ ગઈ છે. જેથી આ લોકોને સારું અને તાજુ ભોજન આપવાનો પ્રયત્ન કરીએ છીએ.
રાજકીય પક્ષો ના હજારો નેતા અને હોદ્દેદારોમાંથી ગણ્યા ગાંઠ્યા દિનેશભાઇ જેવા લોકો આ મહામારીમાં માનવતાની વહારે આવ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)