રાજ્યમાં કોરોનાના નવા 388 કેસઃ 119 લોકોએ કોરોનાને મ્હાત આપી

અમદાવાદઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 388 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. તો આજે રાજ્યમાં 29 લોકોનાં મોત કોરોનાને કારણે થયા છે. જેમાંથી 15 લોકોનાં મોત પ્રાથમિક રીતે કોરોનાને કારણે થયા છે. જ્યારે અન્ય 13 લોકોને અન્ય બીમારીઓ પણ હતી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1709 લોકો સાજા થયા છે. આજે 119 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ કેસ 7013 થયા છે. જ્યારે કોરોનાને કારણે કુલ 425 લોકોનાં મોત નિપજ્યા છે.

નવા નોંધાયેલા કેસની જિલ્લા અનુસાર વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં ૨૭૫ કેસ નોંધાયા હતા. અરવલ્લીમાં 25, ભાવનગરમાં 1,દાહોદમાં 4, દેવભુમિ દ્વારકામાં 1, ગાંધીનગરમાં 5, જામનગરમાં 4, ખેડામાં 3, રાજકોટમાં 2, સુરતમાં 45, વડોદરામાં 19, બનાસકાંઠામાં 3, રાજસ્થાનમાં 1, આ પ્રકારે કુલ 388 કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ 7013 દર્દીઓ પૈકી 26 હાલ વેન્ટિલેટર પર છે. જ્યારે 4853 સ્ટેબલ છે. 1709 લોકોને ડિસ્ચાર્જ આપવાાં આવ્યું છે અને 425 લોકોનાં મોત નિપજ્યાં છે.

રાજકોટમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને પગલે કલેક્ટર રેમ્યા મોહન તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરના આદેશ પ્રમાણે રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટ આવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ દરમિયાન માત્ર મેડિકલ સેવાને છૂટ આપવામાં આવી છે. એટલે કે એમ્બ્યુલન્સને ચાલવાની છૂટ આપવામાં આવી છે.