રિવરફ્રન્ટ પર મેટ્રોના કોચ આવી પહોંચ્યાં, 6 ઓક્ટોબરે નાગરિકો નિહાળી શકશે

અમદાવાદઃ શહેરમાં આવતા જાન્યુઆરી મહિનાથી મેટ્રોની ટ્રાયલ રન શરુ થવા જઈ રહી છે. ત્યારે મેટ્રોના ડેમો કોચનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે. આ કોચ પહેલા મુંદ્રા પોર્ટ ખાતે આવ્યા હતા અને ત્યારબાદ તેને અમદાવાદમાં લાવવામાં આવ્યા છે.

અત્યારે હાલ આ કોચને સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભસદન પાસે ડિસ્પ્લે માટે મુકવામાં આવ્યા છે. આ કોચનું 6 ઓક્ટોબરે મુખ્યપ્રધાન રુપાણી અનાવરણ કરશે.

ડિસેમ્બર 2018 સુધીમાં ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેનનું સંચાલન શરૂ કરવાની કવાયત વેગવંતી બની ગઈ છે. એક કોચમાં 300 લોકો પ્રવાસ કરી શકશે. જેમાં 40થી 50 લોકો બેસી શકશે, જ્યારે 250 લોકો ઉભા રહી શકશે. 34 કિલોમીટરની સ્પીડે દોડનારી આ ટ્રેન એક સ્ટેશન પર 30 સેકન્ડ રોકાશે. પીક અવરમાં આ ટ્રેનનું દર બે મિનિટે જ્યારે ભીડ ઓછી હોય ત્યારે 12થી 15 મિનિટે સંચાલન કરવામાં આવશે.

મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ભારતીય અને દક્ષિણ કોરિયાની કંપનીના કારીગરો પૂરજોશમાં કાર્યવાહી કરી રહ્યાં છે.  સમગ્ર અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ ના અનેક માર્ગો પર હાલ મેટ્રો રેલ નું કામ ચાલી રહ્યું છે.

એક તરફ 2019 ની ચૂંટણીઓ આવી રહી છે, બીજી મહત્વની વાત એ પણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતાં ત્યારનું એમનું કેટલાક પ્રોજેક્ટ તરફ વિશેષ ધ્યાન હતું., આ ડ્રીમ પ્રોજેક્ટ્સ સફળ બનાવવા સૌ કમર કસી રહ્યાં છે.

અહેવાલ તસવીર પ્રજ્ઞેશ વ્યાસ