અમદાવાદમાં છે ગુજરાતનું એક માત્ર પુરુષોત્તમ ભગવાનનું મંદિર

અધિક માસમાં ભગવાન પુરુષોત્તમના સ્વરૂપની સેવા-પુજાનું વિશેષ મહત્વ હોય છે. ત્રણ વર્ષે એક વખત આવતા અધિક માસમાં ભક્તો ભાવથી એકટાણું અને ઉપવાસ કરતા હોય છે. ત્યારે 600થી 700 વર્ષ જુનું પુરુષોત્તમ ભગવાનનું ઐતિહાસિક મંદિર અમદાવાદમાં આવેલું છે.

હિન્દુ પંચાગ પ્રમાણે ત્રણ વર્ષે અધિક માસ આવે છે. જેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. શાસ્ત્રો અનુસાર આ મહિનામાં દાન, ઘર્મ કરવાથી ભગવાનના વિશેષ આર્શિવાદ પ્રાપ્ત થાય છે. સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ ભગવાનનું એક માત્ર મંદિર અમદાવાદના માણેક ચોકમાં આવેલી લાખા પટેલની પોળ છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મંદિરના પુજારી ભાવિક જાની કહે છે, સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ ભગવાનનું આ એક માત્ર મંદિર છે,  ભક્તો માટે આ મંદિરનું સવિશેષ મહત્વ છે. મંદિરમાં પુરુષોત્તમ રાયજીની જે પ્રતિમા છે તે સ્વયંભુ છે. મંદિરના ઇતિહાસ વિશે વાત કરતા ભાવિક જાની કહે છે, એક વણિક શેઠના સપનામાં ઠાકોરજી આવ્યા, અને એમને ભોયરામાંથી ખોદકામ કરી મુર્તિ નિકાળવાનું કહ્યું, હાલ મંદિર છે ત્યાં ખોદકામ કરવાથી પ્રતિમા મળી જે સ્થાપિત કરવામાં આવી છે. જયારે પુરુષોત્તમ રાયજીની પ્રતિમા પાતાળ કુવામાંથી ખોદકામ કરતા મળી હતી. આ મુર્તિ 600 વર્ષ જુની છે. અમે પાંચ પેઢીથી આ મંદિરની પુજા કરીએ છીએ. પુરુષોત્તમ માસમાં મંદિરમાં ભક્તોની ભારે ભીડ હોય છે. લોકો દુર દુરથી ભગવાનના દર્શન કરવા અને મનોકામના પુર્ણ થાય એ માટે આવે છે. અધિક માસ દરમિયાન ત્રીસે દિવસ જુદા-જુદા દાનનો મહિમાં રહેલો છે. માટે ભાવિકો આ મહિનામાં વિવધ દાન કરે છે.

પુરુષોત્તમ ભગવાનના મંદિરમાં રોજ મનોરથ થાય છે. ફળ, ફુલ, અનાજ અને જુદા-જુદા અનેક પ્રકાના હિંડાળો પણ થાય છે. ભક્તો નિજ દર્શન કરવા આવે છે.

(હેતલ રાવ,પ્રજ્ઞેશ વ્યાસ)