અમદાવાદઃ રથયાત્રા પૂર્વે શહેરમાંથી હથિયારોનો જથ્થો ઝડપાયો

0
1196

અમદાવાદઃ રથયાત્રાને આડે હવે માત્ર 15 દિવસ બાકી રહ્યા છે. રથયાત્રામાં પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી કોઈપણ અઘટીત ઘટના ન ઘટે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ છે. ત્યારે રથયાત્રાના 15 દિવસ પહેલા જ અમદાવાદની નરોડા કેનાલ પાસેથી હથિયારોનો જથ્થો પકડાતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચે 10 લોકો સામે ગુનો નોંધી 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નરોડા કેનાલ પાસેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 6 પિસ્તોલ, 2 રિવોલ્વર, 4 મેગેઝિન અને 101 જેટલા કારતૂસોનો જથ્થો જપ્ત કર્યો છે. ક્રાઈમ બ્રાંચે સમગ્ર મામલે બે વ્યક્તિની ધરપકડ કરીને 10 લોકો સામે ગુનો નોંધ્યો છે. પકડાયેલા શખ્સો પાસેથી રૂપીયા 1.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રથયાત્રા પૂર્વે જ આટલી મોટી માત્રામાં હથિયારો ઝડપાતા પોલીસ સતર્ક બની ગઈ છે. ત્યારે હાલ તો સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચ ઉંડાણ પૂર્વકની તપાસ કરી રહી છે.

મહત્વનું છે કે આગામી 14 જુલાઈના રોજ રાજ્યની સૌથી મોટી અને ઐતિહાસિક રથયાત્રા નીકળવાની છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી જ્યારે રથયાત્રા લઈને ભક્તને દર્શન આપવા તેના દ્વારે જાય છે ત્યારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાનના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી પડે છે. ત્યારે રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા રથયાત્રાના રૂટ પર નાઈટ ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ લોખંડી સુરક્ષા વ્યવસ્થા તેનાત રાખવામાં આવશે. સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત માટે ડ્રોન, સીસીટીવી કેમેરા, હાઈટેક વાન સહિતના યાંત્રીક સાધનો વડે શહેર પોલીસ રથયાત્રા દરમિયાન એક એક શંકાસ્પદ ગતિવિધિ અને હિલચાલ પર બાજ નજર રાખશે. રથયાત્રા પહેલા હાલ ક્રાઈમ બ્રાંચ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને રથયાત્રાનો આ મહાપર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.