વડોદરા: અદાણી ગ્રુપની સ્પોર્ટ્સ શાખા અદાણી સ્પોર્ટ્સલાઈન અને રેડીયો મિર્ચી આયોજિત બે-દિવસીય આંતરશાળા કબડ્ડી અને ખો-ખો લીગ ગુજરાત લિટલ જાયંટ્સ સ્પર્ધા વડોદરાના કલાલીમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના પટાંગણમાં યોજાઇ હતી.
વડોદરાની 30થી વધુ શાળાએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બે દિવસ ચાલેલી આ સ્પર્ધામાં કબડ્ડીની બે ટીમ અને ખો-ખોની એક ટીમ વડોદરામાં વિજેતા જાહેર થઈ હતી.
આ ત્રણ ટીમ હવે ફાઇનલ રાઉન્ડમાં અમદાવાદમાં સુરત, રાજકોટ, અમદાવાદમાં વિજેતા ટીમ સાથે સ્પર્ધા કરશે.
અદાણી સ્પોર્ટ્સલાઈનની ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ ગુજરાત જાયન્ટ્સની શરૂઆત ૨૦૧૭થી થઈ છે. મૂળ ભારતીય રમત એવી કબડ્ડી અને ખો-ખોને પ્રોત્સાહન માટે લિટલ જાયન્ટ્સ જેવી આંતરશાળા સ્પર્ધાની શરૂઆત કરી છે. આ ટુર્નામેંટ થકી જે પ્રતિભાશાળી ખેલાડી છે એને વધુ તક મળે એ જ આ સ્પર્ધાનો ઉદ્દેશ રહ્યો છે.
નવી પેઢીના વિદ્યાર્થીઓ પરંપરાગત ભારતીય રમત એવી કબડ્ડી અને ખો-ખો લીગ જીતવા માટે જોર લગાવ્યું હતું. કબડ્ડીની પ્રથમ ફાઇનલ જીપીએસ સ્કૂલ અને ઉર્મિ સ્કૂલ વચ્ચે રમાઈ હતી. ઉર્મિ સ્કૂલએ 45 અને જીપીએસ સ્કૂલ માત્ર 11 જ પોઈન્ટ કરી શકતા ઉર્મિ સ્કૂલ વિજેતા થઈ હતી. બીજી ફાઇનલ ડોન બોસકો અને શ્રી વિદ્યા મંદિર વિદ્યાલય રમાઈ હતી. ડોન બોસકોના ૫૧ પોઈન્ટ સામે શ્રી વિદ્યા મંદિર વિદ્યાલય ૬૩ પોઈન્ટ બનાવીને વિજેતા થઈ હતી. ખો-ખોની ફાઇનલ મેચ સબરી સ્કૂલ અને ઝેનિથ સ્કૂલ વચ્ચે એકદમ રસાકસીવાળી રહી હતી. સબરી સ્કૂલના ચાર પોઈન્ટથી એક વધુ પાંચ પોઈન્ટ બનાવીને ઝેનિથ સ્કૂલ વિજેતા થઈ હતી. હવે વડોદરાની ઉર્મિ સ્કૂલ અને શ્રી વિદ્યા મંદિર વિદ્યાલય કબડ્ડી અને ઝેનિથ સ્કૂલ ખો-ખોની ફાઇનલ મેચ અમદાવાદમાં રમશે.