ભારતમાં મૂડીરોકાણ કરવામાંથી અમે ક્યારેય પાછા હટ્યા નથીઃ અદાણી

અમદાવાદઃ સૌથી શ્રીમંત ભારતીય ગૌતમ અદાણીએ આજે કહ્યું કે આપણે બહુ ઓછા એવા દેશોમાંના એક છીએ કે જેણે કોવિડની મહામારી અને ઉર્જા કટોકટીની તંગ સ્થિતિ હોવા છતાં પોતાના રીન્યુએબલ એનર્જીની ફુટપ્રિન્ટને વેગ આપ્યો છે. અમે આ એવા સમયે કર્યું છે જ્યારે ઘણા વિકસિત દેશોએ રીન્યુએબલ એનર્જીના લક્ષ્યો તરફ આગળ વધવાની બાબતને વિરામ આપ્યો છે. ચેરમેન ગૌતમ અદાણીએ એમના ગ્રુપની કંપનીઓના શેરહોલ્ડરોની વાર્ષિક સામાન્ય સભામાં આમ જણાવ્યું હતું.

એમણે એમ પણ કહ્યું કે, ૨૦૧૫થી ભારતની રિન્યુએબલ એનર્જીની ક્ષમતા લગભગ ૩૦૦% વધી છે. જરૂરિયાતના ૭૫%થી અધિક વધારાની માંગ રીન્યુએબલ એનર્જીના ઉત્પાદનના ઉમેરા દ્વારા પૂરી થવાની અપેક્ષા હોવાના કારણે આ ક્ષેત્રમાં ભારત હવે અટકશે નહીં.

અદાણીએ વધુમાં કહ્યું, હું અમારી કંપની વિશે વાત કરું તો ૨૦૨૧-૨૨નું વર્ષ અદાણી સમૂહ માટે બીજું બ્રેકઆઉટ વર્ષ હતું. મેં ઘણીવાર કહ્યું છે કે અમારા ભૂતકાળમાંની અમારી માન્યતા ભવિષ્યમાં વિશ્વાસ કરવાની અમારી  ક્ષમતાને વ્યાખ્યાયિત કરે છેે જેનું રુપાંતર હાલમાં અમે જે મોટા સાહસ કરીએ છીએ તેમાં થઇ રહ્યું છે. ન તો અમે ક્યારેય ભારતમાં  રોકાણ કરવાથી દૂર ગયા છીએ કે ન તો કદાપી અમારા રોકાણને અમે ધીમું કર્યું છે. બે દાયકામાં અમે જે હાંસલ કરી શક્યા છીએ એ એકબીજાની નજીકના વ્યવસાયોમાં ઝડપી વિસ્તરણના આધારે ભારતનો સૌથી મોટો સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ બની ગયો છે. અમે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના નિર્માણકાર તરીકે વિકાસ કરી રહ્યા છીએ, દેશના કેટલાક સૌથી મોટા રોડ કોન્ટ્રાક્ટ અમોને મળ્યા છે અને બંદરો, લોજિસ્ટિક્સ, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, સિટી ગેસ અને પાઇપ્ડ નેચરલ ગેસ જેવા વ્યવસાયમાં પહેલેથી જ અમે નોંધપાત્ર બજાર હિસ્સો વધારતા રહ્યા છીએ.