લઠ્ઠાકાંડમાં 29 હોમાયાઃ કોંગ્રેસ પરિવારોને સાંત્વના પાઠવશે

અમદાવાદઃ રાજ્યમાંમાં ફરી એક વાર લઠ્ઠાકાંડ થયો છે. બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો વધીને 29 થયો છે. બરવાડા પોલીસે આ લઠ્ઠાકાંડ કેસમાં 13થી વધુ લોકોની ધરપકડ કરી છે. જોકે આ લઠ્ઠાકાંડમાં 41થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી અનેક હાલત નાજુક છે. જેથી મોતનો આંકડો હજી વધવાની દહેશત છે. લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશની ધરપકડ કરી લેવામાં આવી છે. જયેશે 600 લિટર કેમિકલ પૂરું પાડ્યું હતું.

આ બનાવ જ્યાં બન્યો છે એ રોજિદ ગામ સહિત આજુબાજુનાં ગામડાંઓમાં મહિલાઓ અને બાળકો આક્રંદ કરી રહ્યાં છે. રોજિદ ગામમાં ATS સહિતના પોલીસ ઉચ્ચાધિકારીઓ તપાસ કરવા આવી પહોંચ્યા હતા.

બરવાળા પોલીસે હાલ 14 બૂટલેગરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. મૃતકો અને અસરગ્રસ્તોએ જે દારૂ પીધો હતો, એમાં 80 ટકા કેમિકલ મિશ્રિત હોવાનું સામે આવ્યું છે. આ લઠ્ઠાકાંડમાં FSLએ ગૃહ વિભાગને રિપોર્ટ જણાવ્યું છે કે મૃતકોએ દારૂ નહીં પણ સીધું કેમિકલ જ પીધું હતું. જે પછી તેમની તબિયત લથડી હતી અને બાદમાં મોત થયું હતું.

પ્રાપ્તિ માહિતી મુજબ  આ લઠ્ઠાકાંડમાં જયેશની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. જયેશની સઘન પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે પીપળજ પાસેની ફેક્ટરીમાંથી મિથેનોલ સપ્લાય કરવામાં આવ્યું હતું. પોલીસે આ કેસમાં ઝેરી દારૂ વેચતા કેટલાક પુરુષો સહિત મહિલાઓની પણ ધરપકડ કરી છે.

રાજ્યમાં  થયેલા લઠ્ઠાકાંડ સંદર્ભે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા  સુખરામભાઈ રાઠવા પ્રતિનિધિ મંડળ સાથે 26 જુલાઈએ-આજે બરવાળા, રોજિદ અને ભાવનગરની મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવશે અને  હોસ્પિટલની મુલાકાત લેશે. આ ઉપરાંત કાર્યકારી અધ્યક્ષ  હિંમતસિંહ પટેલ અને ધારાસભ્યો તથા પ્રતિનિધિ મંડળ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે જશે.