સુરતઃ શહેરના હજીરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકી સાથે એપ્રિલમાં બળાત્કાર ગુજાર્યા પછી હત્યા કરનારા નરાધમને જીવનપર્યંત કેદની સજા ફટકારવામાં આવી છે અને જેલની સજા સાથે રૂ. એક લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જોકે સરકારી વકીલે દોષિત સુજિત સાકેતને ફાંસીની સજાની માગ કરી હતી. કોર્ટે પીડિતના પરિવારને રૂ. 20 લાખનું વળતર આપવા પણ નિર્દેશ કર્યો છે. કોર્ટમાં ચુકાદો સાંભળતા આરોપીએ જજ પર ચપ્પલ પણ ફેંક્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર 30 એપ્રિલે આરોપી સુજિતે હજીરા ગામમાં પાંચ વર્ષની બાળાનું અપહરણ કરીને તેની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરીને કરપીણ હત્યા કરી હતી. સુજિતે માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ માથામાં ઇંટ મારીને કરપીણ હત્યા કરી નાખી હતી. આ હત્યા કેસમાં કોર્ટ દ્વારા આરોપી સુજિત સાકેતને જીવનપર્યંત કેદની સજા ફટકારી હતી
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને કોર્ટે ગંભીર ગણીને જીવનપર્યંત જેલવાસની સજા ફટકારી છે.શહેરના હજીરા વિસ્તારમાં આઠ મહિના પહેલાં શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે મધ્ય પ્રદેશના વતની 27 વર્ષીય સુજિત સાકેત બળાત્કાર કરવાના આશયથી પોતાની સાથે લઈ ગયો હતો. આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છૂટયો હતો. જે પછી બાળકીનાં માતાપિતાએ હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી સુજિત સાકેતને પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આરોપીના મોબાઇલમાંથી પોર્ન અને એનિમલ પોર્નના વિડિયો પણ મળી આવ્યા હતા, એ પુરાવા મહત્ત્વના સાબિત થયા હતા.