AAP-કોંગ્રેસનું ગઠબંધન INDIA હેઠળ લોકસભાની ચૂંટણી લડશે

અમદાવાદઃ રાજ્યમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ થવા માંડી છે. લોકસભાની ચૂંટણી હવે આમ  આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ એકસાથે મળીને લડશે, એવી જાહેરાત AAP ગુજરાત પ્રદેશપ્રમુખ ઇસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી- બંને પાર્ટી INDIA ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે. આ ગઠબંધન લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે એકસાથે ચૂંટણીમાં ઊતરશે.

AAPના પ્રદેશપ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે  INDIAનું ગઠબંધન રાજ્યમાં પણ લાગુ પડશે. રાજ્યમાં હાલમાં સીટો વહેંચણી કરીને ચૂંટણી લડીશું. આ વખતે લોકસભાની ચૂંટણીમાં જો સીટોની વહેંચણીમાં યોગ્ય નિર્ણયો લેવાશે તો ભાજપ ગુજરાતમાં 26માંથી 26 સીટો નહીં લઈ જઈ શકે.

તેમણે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે રાજ્યમાં જે રીતે ભ્રષ્ટ ભાજપ શાસનમાં એના નેતાઓ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાના ભૂતકાળમાં પણ દાખલાઓ બન્યા છે. આવશે તો ભાજપ કહેનારાઓ ગુજરાતને કેવી રીતે લૂંટી રહ્યા છે, એ આપણે સૌ જાણીએ છીએ. તાજેતરમાં જ ભાજપમાં ઉકળતો ચરું બહાર આવ્યો છે. જેમાં એવી વાત વહેતી થઈ છે કે  વિવિધ યુનિવર્સિટીના ટેન્ડોરોથી લઈને વિવિધ જગ્યાના કૌભાંડોથી માંડીને જમીન કૌભાંડમાં પણ ભાજપના નેતાનાં નામ ખૂલ્યાં છે અને આ ચર્ચાને પગલે રાજીનામાં પણ પડ્યાં છે, પરંતુ રાજ્યની જનતાને ટેક્સના પૈસાનો હિસાબ નથી મળતો અથવા તો તે ટેક્સના પૈસા કોઇ ઉલેચી જાય છે તેના પગલે રાજીનામાં પડ્યાં છે તો તેની યોગ્ય તપાસ થવી જોઇએ.

હાલમાં પત્રિકાકાંડમાં જે રીતે નામો ઊછળ્યાં છે અને ત્યાર બાદ ભાજપમાંથી કેટલાંક રાજીનામાં પડ્યાં છે. ત્યારે ગુજરાતના નાગરિક તરીકે એક સવાલ આપણને થાય. જો રાજીનામાં પડે છે, કૌભાંડો થાય છે, કંઈક દુરુપયોગ થયો છે, સત્તાના વગનો દુરઉપયોગ થયો છે..આજે પોલીસની ભૂમિકા પર પણ શંકા ઊપજાવે છે જેને લઇને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ખુલાસો કરવો જોઈએ.