અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીએ રાજ્યમાં એક યુવા ચહેરાને પ્રસ્તુત કર્યો છે અને રાજ્યસભાના સદસ્ય રાઘવ ચઢ્ઢાને આ ચૂંટણી માટે કો-ઈન્ચાર્જ (સહ-પ્રભારી) તરીકે નિયુક્ત કર્યા છે. 182 બેઠકોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના ડિસેમ્બરમાં નિર્ધારિત છે.
ચઢ્ઢાએ આ પહેલાં પંજાબ અને દિલ્હીની ચૂંટણીની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને વિજયી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હવે ગુજરાત ચૂંટણી માટે પોતાને સહ-પ્રભારી બનાવવા બદલ એમણે ગુજરાતીમાં ટ્વીટ કરીને પક્ષના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો છે.
આમ આદમી પાર્ટીએ 2017માં પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ એમાં તેને એકેય બેઠક મળી નહોતી. આ વખતે તે સારા દેખાવની આશા રાખે છે. ઉલ્લેખનીય છે કે, 2021ના ફેબ્રુઆરીમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેણે 27 સીટ જીતી હતી. ભાજપે 93 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસને એકેય બેઠક મળી નહોતી.
મને આટલી મહત્વપૂર્ણ જવાબદારીને લાયક સમજવા માટે @ArvindKejriwal જીનો ધન્યવાદ! આ જવાબદારી પર ખરા ઉતરવા માટે હું જીવ રેડી દઈશ. ગુજરાત પરિવર્તન માંગે છે, સારી શિક્ષણ-સ્વાસ્થ્ય વ્યવસ્થા માંગે છે. ગુજરાતને કેજરીવાલ જોઈએ છે. https://t.co/tr16OvwizE
— Raghav Chadha (@raghav_chadha) September 18, 2022