પંડિત રાજન મિશ્રાનું નામ સંગીત પ્રેમીઓ માટે સહેજે અજાણ્યું નથી. શાસ્ત્રીય સંગીતપ્રેમીઓના હૃદયમાં પોતાની કલા દ્વારા અમિત છાપ છોડીને તેમણે 69 વર્ષની વયે દેહ છોડીને વિદાય લીધી. તેમને સ્વરાંજલિ અર્પણ કરવા અનુભૂતિ ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક નગરી ભાવનગર ખાતે ત્રિદિવસીય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરાયું છે.
28, 29 અને 30 ઓક્ટોબરના આયોજિત આ સંગીતોત્સવ અંગે અનુભૂતિ ટ્રસ્ટના સલોની ગાંધીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પંડિત રાજન મિશ્રાજી તેમના સ્વર અને સ્નેહથી સંગીતપ્રેમીઓના હૃદયમાં સદાય વસેલા છે. તેમને સંગીતમય સ્વરાંજલિ અર્પણ કરવા તારીખ 28થી કાર્યક્રમનો પ્રારંભ થશે. આ દિવસે રાજન મિશ્રાજીની જન્મ જયંતી પણ છે અને તે દિવસે સવારે 11થી બપોરે 1/30 સુધી પંડિત સાજન મિશ્રાજી દ્વારા કાર્યશાળા યોજાશે. આ જ દિવસે રાત્રે 8:30 કલાકે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે પંડિત રાજન અને પંડિત સાજન મિશ્રાના શિષ્ય ગરુણ મિશ્રાના ગાયનનો અને ત્યારબાદ પંડિત સતીષ વ્યાસના સંતુર વાદનનો કાર્યક્રમ યોજાશે.
તારીખ 29ના સવારે 11 થી બપોરે 1/30 સુધી પંડિત કુમાર બોઝ દ્વારા કાર્યશાળા યોજાશે અને તે રાત્રે 8/30 કલાકે મેઘાણી ઓડિટોરિયમ ખાતે વિદુષી મંજુ મહેતા અને અમિતા દલાલનું સિતારવાદન અને ત્યારબાદ સ્વરાંશ મિશ્રા અને સાજન મિશ્રાના ગાયનની પ્રસ્તુતિ થશે. સંગીત ઉત્સવના ત્રીજા દિવસે મેઘાણી ઓડિટોરિયમ ખાતે જ રાત્રે 8:30 કલાકે પ્રિસિલા ગૌરી બ્રુલ્હાર્ટ દ્વારા કથક પ્રસ્તુતિ અને ત્યારબાદ પંડિત કુમાર બોઝ તથા સુશ્રી હેતલ મહેતા- જોશીના તબલાવાદનનો લાભ ભાવેણાવાસીઓને મળશે.
આ ત્રિ -દિવસીય મહોત્સવનું આયોજન કરનાર અનુભૂતિ ટ્રસ્ટ 1995થી ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય, શિક્ષણ અને આરોગ્યને પ્રોત્સાહન આપવા અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે કાર્યરત છે. આ ટ્રસ્ટ દ્વારા ભાવનગરમાં 20થી વધુ સંગીત સમારોહ અને અનેક શિબિર પણ યોજાઈ ચૂકી છે. આ ઉપરાંત પંડિત રાજન મિશ્રા અને પંડિત સાજન મિશ્નાના વિશ્વ પ્રવાસ ‘ભૈરવ છે ભૈરવી તક’ હેઠળ તેર દેશોમાં 55 કાર્યક્રમનું આયોજન પણ આ જ સંસ્થા દ્વારા થયું હતું તો ગોવામાં ‘મલ્હાર રીટ્રીટ’, રાનીખેતમાં ‘સ્પ્રિંગ રીટ્રીટ’ અને ભાવનગરના જ ભંડારીયાના ડુંગરોમાં ‘સ્કાય રીટ્રીટ’ સંગીત શિબિ નું આયોજન પણ આ ટ્રસ્ટ દ્વારા થયું હતું.
સલોની ગાંધીએ જણાવ્યું હતું કે, ભાવનગરના આંગણે આ ટ્રસ્ટ દ્વારા આ સંગીતોત્સવનું આયોજન થયું છે તેમાં માઇક્રોસાઈન, મધુ સિલિકા, તનિષ્ક, ઓજ ઇન્સ્ટિટયૂટ, તંબોલી ચેરીટેબલ ટ્રસ્ટ, સરોવર પોર્ટ્રીકો હોટેલ સહિતનાનો સહયોગ મળ્યો છે.
જયેશ દવે (ભાવનગર)