તમામ પ્રકારનાં ખાદ્ય તેલોમાં આગઝરતી તેજી

અમદાવાદઃ છેલ્લા ઘણા દિવસોથી ખાદ્ય તેલોના ભાવમાં વધારો થઈ રહ્યો  છે. સનફ્લાવર્સ તેલમાં રૂ. 60, સિંગતેલમાં રૂ. 20 અને કપાસિયા તેલમાં ડબ્બે રૂ. 45 રૂપિયાનો વધારો થયો છે.  પામ તેલમાં રૂપિયા 10નો વધારો થયો છે તો કોર્ન ઓઇલમાં 20નો વધારો થયો છે. સરસિયા તેલના ભાવમાં પણ વીસ રૂપિયાનો વધારો થયો છે. સનફ્લાવર તેલમાં બે દિવસમાં રૂ. 180નો તોતિંગ ભાવવધારો થયો છે. જોકે સોમાએ ખાદ્ય તેલોના ભાવ ઉનાળામાં ઊતરશે, એવી આશા વ્યક્ત કરી છે.

સનફ્લાવર તેલના ડબ્બાનો ભાવ 2060થી 2100 રૂપિયા થયો છે, જ્યારે સિંગતેલનો ભાવ 2600ને પાર થયો છે. કપાસિયા તેલનો ડબ્બો 2000ને પાર પહોંચ્યો છે. વૈશ્વિક અહેવાલો અને ઉત્પાદક મથકોના પ્રોત્સાહક અહેવાલો પાછળ અમદાવાદ સહિત વિવિધ  તેલિબિયાં બજારમાં તમામ પ્રકારનાં ખાદ્ય તેલોમાં આગઝરતી તેજીનો માહોલ છે.  તમામ પ્રકારનાં ખાદ્ય તેલોના ભાવ વધતાં આમઆદમીનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.  જવા પામ્યું હતું.

મુંબઈ તેલિબિયાં બજારમાં  વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં તેજી આગળ વધી હતી. આવા માહોલમાં આજે દિવેલ તથા એરંડાના ભાવપણ ઉછળ્યા હતા. એરંડા માર્ચ વાયદો આજે રૂ.૧૨૮ ઊછળી રૂ.૪૭૦૦ વટાવી રૂ.૪૭૫૦ સાંજે બોલાઈ રહ્યો હતો.

ખાદ્ય તેલોની આયાત 25 ટકા ઘટી

દેશમાં ખાદ્ય તેલની કુલ આયાત ફેબ્રુઆરીમાં વાર્ષિક તુલનાએ 25 ટકા ઘટીને 8,38,607 ટન નોંધાઈ છે જ્યારે ગયા વર્ષ  સમાન મહિનામાં 11,12,478 ટન ખાદ્ય ઓઇલની આયાત થઈ હતી. વિશ્વ બજારોમાં પામતેલ સહિતનાં વિવિધ ખાદ્ય તેલોના ભાવ વધતા સ્થાનિક બજારમાં પણ તેમના ભાવ અતિશય વધી ગયા છે તેના લીધે હાલ ખાદ્યતેલોની માંગ પણ ઘટી છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]