સુરતમાં સ્કૂલ બસ ખાડામાં ખાબકી, 40 માસુમોના જીવ તાળવે ચોંટ્યા

સુરત: ગુજરાત ભરમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની તોફાનિ બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે અવાર નવાર સામાન્ય વરસાદમાં રાજ્યના સ્માર્ટ સીટી ગણતા શહેરોમાં રોડ રસ્તા ધોવાઈ જવાની ઘટના સામે આવતી હોય છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરામાં મસમોટા ખાડા પડવાથી તંત્રની પ્રિમોન્સુન કામગીર સામે પણ પ્રશ્નો ઉભા થતા હોય છે.

સુરતમાં વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. આજે સવારથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. એટલે રોડ સાઈડમાં પડી ગયેલા ખાડામાં પાણી ભરાય ગયા છે. ત્યારે દાંડી રોડ પર 30થી 40 બાળકો ભરેલી સ્કૂલ બસ પસાર થઈ હતી અને અચાનક ખાડામાં ખાબકી હતી અને ત્રાસી થઈ ગઈ હતી. આથી અંદર રહેલા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ચીસાચીસ કરી મૂકી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને તમામ બાળકોનું કાચની બારીમાંથી બહાર કાઢી રેસ્ક્યૂ કર્યું હતું. જો બસ પલટી ખાઈ હોત તો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકાઈ શકે તેમ હતા. પરંતુ બસ ત્રાસી જ ઊભી રહી જતા મોટી દુર્ઘટના ટળી છે.

મળતી માહિતી અનુસાર દાંડી રોડ પર સાકેત ચોકડી નજીક મહારાજા અગ્રેસન ઈન્ટરનેશનલ સ્કૂલની બસ કતારગામ વિસ્તારના બાળકો લઈને સ્કૂલે આવી રહી હતી. ત્યારે અચાનક ખાડામાં ખાબકીને ત્રાસી થઈ ગઈ હતી. ઘટના જોતા જ સ્થાનિક વાહનચાલકો અને શિક્ષકો મદદ માટે દોડી આવ્યા હતા. બાળકોને એક પછી એક કાચની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાળકો સહી સલામત હોવાનું જાણવા મળ્યું છે. મોટી જાનહાનિ ટળતા સ્કૂલ સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.